રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 50 અડધી સદી ફટકારનાર બીજો બેટ્સમેન બની ગયો છે. IPLના ઈતિહાસમાં પ્રથમ 50 અડધી સદીનો રેકોર્ડ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરના નામે છે.
વિરાટ કોહલીએ પોતાની 233મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. દિલ્હી કેપિટલ્સનો બેટ્સમેન IPLમાં સૌથી વધુ અર્ધશતક બનાવનાર ખેલાડી છે. હાલમાં તેના નામે 59 અર્ધસદી છે, જ્યારે પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન 49 અર્ધશતક સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
આ મેચની શરૂઆતમાં જ વિરાટ કોહલીએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી હતી. તે IPLના ઈતિહાસમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 12 રન પૂરા કરીને આ સ્થાન હાંસલ કર્યું હતું. ચાલુ સિઝનમાં કોહલીની આ છઠ્ઠી ફિફ્ટી હતી. કોહલી માટે આ સિઝન ઘણી સારી રહી છે. ઓરેન્જ કેપની રેસમાં તે છઠ્ઠા નંબર પર છે. તેણે 10 મેચમાં 135.16ની સ્ટ્રાઈક રેટ અને 46.56ની એવરેજથી 419 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તેણે 233 મેચમાં 7013 રન બનાવ્યા છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં શિખર ધવન બીજા નંબર પર છે. તેણે 213 મેચમાં 6536 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે 6189 રન બનાવ્યા છે, જ્યારે મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા 6063 રન સાથે ચોથા ક્રમે છે.