ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ફોર્મેટ અને સમયગાળામાં આવનારા વર્ષોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. IPL ચેરમેન Arun Singh Dhumalએ સંકેત આપ્યા છે કે ભવિષ્યમાં ટૂર્નામેન્ટને બે અલગ ફેઝમાં યોજવાની શક્યતા પર ચર્ચા થઈ રહી છે. BCCI હવે માર્ચ-મેની પરંપરાગત વિન્ડોની સાથે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન પણ IPLના કેટલાક મુકાબલા યોજી શકે છે.
હાલ IPLમાં કુલ 74 મેચ રમાય છે, પરંતુ 2028 પછી તેને વધારીને 94 મેચ સુધી લઈ જવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. આ માટે BCCIને લાંબી વિન્ડોની જરૂર પડશે. અરુણ ધુમલના જણાવ્યા મુજબ હાલ ICCનું ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ (FTP) 2027 સુધી નક્કી થઈ ચૂક્યું છે, તેથી તરત કોઈ મોટો બદલાવ શક્ય નથી. પરંતુ આગામી ચક્ર માટે અન્ય ક્રિકેટ બોર્ડ્સ સાથે ચર્ચા કરવામાં આવશે.
ધુમલે વધુમાં કહ્યું કે વધતી ગરમી અને ભેજના કારણે ખેલાડીઓ પર ભારે શારીરિક અસર પડે છે. ખાસ કરીને એપ્રિલ-મે દરમિયાન રમાતી મેચોમાં ઈજાના જોખમ વધે છે. તેથી ભવિષ્યમાં હવામાનને ધ્યાનમાં રાખીને IPLનો એક ભાગ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રાખવાની શક્યતા પણ ચર્ચામાં છે.
તેણે એ પણ સ્વીકાર્યું કે વિશ્વ ક્રિકેટ ધીમે ધીમે ફ્રેન્ચાઇઝ લીગ્સ તરફ આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં દ્વિપક્ષીય સિરીઝની સંખ્યા ઘટી શકે છે. IPLને વધુ મોટું અને વૈશ્વિક સ્તરે નંબર-1 સ્પોર્ટ્સ લીગ બનાવવાનું BCCIનું લક્ષ્ય હોવાનું પણ ધુમલે જણાવ્યું.
