ભારતીય ઓપનર શુભમન ગિલને “ખાસ ખેલાડી” ગણાવતા ન્યુઝીલેન્ડના બેટ્સમેન કેન વિલિયમસને આશા વ્યક્ત કરી હતી કે તેને ભવિષ્યમાં ભારત અને ગુજરાત ટાઇટન્સની આગેવાની કરવાની તક મળશે.
વિલિયમસને કહ્યું, “ગિલ માટે તે અવિશ્વસનીય વર્ષ હતું, પરંતુ તમે હંમેશા અનુભવી શકો છો કે તે માત્ર સમયની વાત છે. અમે વર્ષોથી જોયું છે કે તેની પાસે અદ્ભુત ક્ષમતા છે.” ન્યુઝીલેન્ડના આ મુખ્ય બેટ્સમેને કહ્યું, “તે એક યુવા અને ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. તેણે એવા કેપ્ટનો પાસેથી અનુભવ મેળવવો પડશે જેમની હેઠળ તે આવનાર સમયમાં રમશે.”
વિલિયમસને કહ્યું કે તે IPLમાં ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમથી રોમાંચિત છે. તેણે કહ્યું કે આનાથી ટીમ ઇલેવનની પસંદગી કરતી વખતે વધુ ધ્યાન રાખવાની મંજૂરી આપશે. તેણે કહ્યું, “આનાથી ઘણો બદલાવ આવશે. જ્યારે તમે ટીમો પસંદ કરો છો, ત્યારે તમે હંમેશા કોઈ ને કોઈ ભૂમિકાને જુઓ છો. આ દરેક માટે નવું છે. તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોવાનું રહેશે.”
વિલિયમસનની કેપ્ટન્સીમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 2018ની સિઝનની ફાઇનલમાં પહોંચી હતી. ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઇઝીએ તેને ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી.
