ઈન્ડિયન પ્રીમિયર લીગમાં, આજે એટલે કે બુધવારે સીઝનની 65મી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
વાસ્તવમાં આ મેચનું કોઈ મહત્વ નથી. રાજસ્થાન પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે પંજાબ રેસમાંથી બહાર છે. પરંતુ હજુ પણ ગુલાબી જર્સી આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ 2માં રહેવા ઈચ્છશે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના દિગ્ગજ ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 144/9 રનનો નાનો સ્કોર બનાવ્યો હતો. આવી સ્થિતિમાં મેચ જીતવાની જવાબદારી બોલરોના ખભા પર આવી ગઈ. અનુભવી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે પહેલી જ ઓવરમાં પ્રભસિમરન સિંહને આઉટ કરીને પંજાબને પહેલો ઝટકો આપ્યો હતો.
આ વિકેટ સાથે બોલ્ટના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો. તે હવે આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે અને આ મામલામાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે.
34 વર્ષીય ટ્રેન્ટ બોલ્ડે IPL મેચની એક ઇનિંગની પ્રથમ ઓવરમાં 28 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવનેશ્વર કુમારે 27 વખત આ કારનામું કર્યું છે. આ પછી અન્ય બોલરો આ લિસ્ટમાં ઘણા પાછળ છે. ત્રીજા સ્થાને પ્રવીણ કુમાર છે, જેણે પ્રથમ ઓવરમાં 15 વખત વિકેટ લીધી છે. દીપક ચહર અને સંદીપ શર્માએ દાવની પ્રથમ ઓવરમાં 13-13 વખત વિપક્ષને ચોંકાવી દીધા છે.
IPL 2022ની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ટ્રેન્ટ બોલ્ડને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા બોલ્ટ દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનો પણ ભાગ રહી ચૂક્યો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે તેની આઈપીએલ કારકિર્દીમાં કુલ 101 મેચ રમી છે, જેમાં તેણે 8.30ની ઈકોનોમી અને 27.09ની એવરેજથી કુલ 116 વિકેટ ઝડપી છે.