ભારતનો ઈંગ્લેન્ડ સામેનો પ્રવાસ તાજેતરમાં પૂરો થયો. ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકાર્યા બાદ દરેક લોકો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતના વખાણ કરી રહ્યા છે. હાલમાં જ બંગાળ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપનાર 66 વર્ષીય અરુણ લાલે રિષભ પંતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
અરુણ લાલે કહ્યું છે કે રોહિત શર્મા બાદ પંત ભારતનો આગામી કેપ્ટન બની શકે છે. લાલ માને છે કે પંત દબાણને સંભાળી શકે છે અને તે પોતાની કુદરતી રમત રમવાથી ડરતો નથી. પંતે દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટી-20 સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.
અરુણ લાલે જાગરણ ટીવીને જણાવ્યું કે, “મને હંમેશા લાગે છે કે કેપ્ટને ટીમમાં ટોપ ત્રણમાં પોતાનું સ્થાન મેળવવું જોઈએ. તે (પંત) એવી વ્યક્તિ છે જે રમવામાં ડરતો નથી. તેની રમત, દબાણને સારી રીતે હેન્ડલ કરી શકે છે, ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી શકે છે. અને આવા એક ખેલાડી એક મહાન નેતા બની શકે છે. જો અમારી પાસે ટીમના કેપ્ટન તરીકે પંત જેવો આક્રમક ખેલાડી હોય તો તે ભારતીય ક્રિકેટ માટે સારું રહેશે.”
અરુણ લાલનું માનવું છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ વિશે વિચારવાની રીત બદલી નાખી જેથી પંત જેવા ખેલાડીઓ આવી કેપ્ટનશિપથી પ્રેરિત રહે. લાલે ઉમેર્યું,
“એક સમય હતો જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં જીતનો વિચાર ત્યારે આવતો હતો જ્યારે તમે ડ્રો માટે રમતા હતા, પરંતુ હવે તે વિચાર બદલાઈ ગયો છે અને હું બધો શ્રેય વિરાટ કોહલીને આપું છું. તેણે ટીમની માનસિકતા બદલી અને ટીમને પ્રેરણા આપી.”