દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર ફરી એકવાર ઝિમ્બાબ્વેના બેટિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાયો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ દ્વારા સોમવારે યોજાયેલી બેઠકમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી.
આટલું જ નહીં, ક્રેગ ઈરવિનને વ્હાઇટ બોલ ક્રિકેટ ટીમના સંપૂર્ણ સમયના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સીન વિલિયમ્સને ટેસ્ટ ટીમના સુકાનીની જવાબદારી સોંપવામાં આવી છે.
ક્લુઝનર સ્ટુઅર્ટ મેટસ્કેન્યારીનું સ્થાન લેશે, જે હવે ટીમના સહાયક કોચ તરીકેની જવાબદારી સંભાળશે. લાલચંદ રાજપૂત ટીમના મુખ્ય કોચની જવાબદારી ચાલુ રાખશે.
ક્લુઝનરની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે દક્ષિણ આફ્રિકા માટે 49 ટેસ્ટ મેચોમાં 1,906 રન અને 171 વનડેમાં 3,576 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 2 સદી અને 19 અડધી સદી છે જ્યારે ટેસ્ટમાં 4 સદી અને 8 અડધી સદી છે. તેણે ટેસ્ટમાં 80 અને વનડેમાં 192 વિકેટ ઝડપી છે.
આ પહેલા ક્લુઝનરે 2016 અને 2018 વચ્ચે ટીમના બેટિંગ કોચની જવાબદારી પણ નિભાવી હતી. જોકે હાલમાં તે અફઘાનિસ્તાન ટીમ સાથે સંકળાયેલો હતો અને મુખ્ય કોચની ભૂમિકામાં કામ કરી રહ્યો હતો.
નવા-નિયુક્ત કેપ્ટનની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે ઝિમ્બાબ્વે માટે 102 ODIમાં 2,837 રન, 18 ટેસ્ટમાં 1,208 રન અને 34 T20I માં 777 રન બનાવ્યા છે. ઇરવિને 4 ઓગસ્ટ 2011ના રોજ હરારેમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
આ સિવાય બોર્ડ પુરૂષોની રાષ્ટ્રીય ટીમ માટે બોલિંગ કોચ અને ફિટનેસ ટ્રેનરની નિમણૂકને પણ અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.