ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર માને છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ભવિષ્યના ભારતીય કેપ્ટનો માટે સંપૂર્ણ તાલીમ મેદાન છે, જે શુભમન ગિલ જેવા ખેલાડીઓને ટોચના સ્તરે પહોંચતા પહેલા જરૂરી અનુભવ આપે છે. રોહિત શર્માની નિવૃત્તિ પછી, ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસ પર ભારતનું નેતૃત્વ કરી શકે છે અને ઋષભ પંત ઉપ-કેપ્ટન બની શકે છે. ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
રોહિતના નિર્ણયના થોડા દિવસો પછી, વિરાટ કોહલીની નિવૃત્તિથી ટેસ્ટ ટીમમાં એક ખાલીપો સર્જાયો છે. ગાવસ્કરે કહ્યું કે ગિલ સિવાય, પંત અને શ્રેયસ ઐયર જેવા અન્ય સંભવિત કેપ્ટનોને તૈયારી કરવામાં ઓછામાં ઓછા બે વર્ષ લાગશે.
સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમમાં પીટીઆઈના એક પ્રશ્નના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે, ભવિષ્યના કેપ્ટનોને આપણા સુપર કેપ્ટન (એમએસ ધોની, રોહિત, વિરાટ) ના સ્તર સુધી પહોંચવા માટે તૈયાર કરવામાં બે વર્ષ લાગશે, તે બધાએ કેપ્ટનશીપ માટે અલગ અલગ અભિગમ અપનાવ્યો છે. પંત હાલમાં લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે ઐયર આ IPLમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.
ગાવસ્કરે કહ્યું, જ્યારે તમે ગિલ, ઐયર અને પંતને જુઓ છો જે ભારતીય કેપ્ટનશીપના ત્રણ મુખ્ય દાવેદાર છે, ત્યારે તમને ત્રણેય (ધોની, રોહિત, વિરાટ) નું મિશ્રણ દેખાય છે. ગિલ કદાચ વધુ સ્પર્ધાત્મક છે કારણ કે જ્યારે પણ કોઈ નિર્ણય આવે છે ત્યારે તે તરત જ અમ્પાયરને પૂછે છે, તે કદાચ તેમાં વધુ સામેલ હોય છે.
તેમણે કહ્યું, જોકે પંત વિકેટ પાછળ છે અને તે આ બધા ફિલ્ડ નિર્ણયોમાં પણ સારી રીતે સામેલ છે, ઐય્યર પણ શાનદાર રહ્યો છે, ત્રણેયે સકારાત્મક રીતે કેપ્ટનશીપ કરી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, એક કેપ્ટન તરીકે, તમને T20ના દબાણમાંથી સૌથી વધુ અનુભવ મળે છે, તે કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ તાલીમ મેદાન છે.