RTIમાં ખુલાસો થયો છે કે 2 વર્ષમાં કુલ 114 ભારતીય ક્રિકેટરોનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં સૌથી વધુ ડોપ ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માના થયા છે.
રોહિતનો કુલ 6 વખત ટેસ્ટ કરવામાં આવ્યો છે જ્યારે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાનો એક પણ વખત ટેસ્ટ થયો નથી. તમને જણાવી દઈએ કે એન્ટી ડોપિંગ એજન્સી ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરાવે છે. BCCI વર્ષ 2019માં NADAમાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, 2021 અને 2022માં લગભગ 6 હજાર (5962) ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
RTI દ્વારા મળેલી માહિતીને ટાંકીને ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021 અને 2022માં કુલ 5962 ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિરાટ, હાર્દિક, શમી સહિત બીસીસીઆઈના કરાર હેઠળના 12 ખેલાડીઓનું એક પણ વખત પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું.
રોહિત શર્મા હાલમાં ભારતીય ટીમનો કેપ્ટન છે, તે ત્રણેય ફોર્મેટમાં ટીમની કમાન સંભાળે છે. રિપોર્ટ અનુસાર રોહિત શર્માનો છેલ્લા 2 વર્ષમાં ચેન્નાઈ, અમદાવાદ, મુંબઈ અને UAEમાં ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, પૂજારા સહિત 7 ક્રિકેટરોનો માત્ર એક જ વાર ડોપ ટેસ્ટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, દીપક હુડા, સંજુ સેમસન, શ્રીકર ભરત, વોશિંગ્ટન સુંદરનો એક પણ ટેસ્ટ થયો નથી. આ એવા 12 ક્રિકેટરો છે જે હાલમાં BCCIના કરાર હેઠળ છે.