LATEST

18 વર્ષના બોલરે 11 વિકેટ લઈને મચાવી સનસનાટી

દક્ષિણ આફ્રિકાના યુવા ઝડપી બોલર જેજે બેસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના ડેબ્યૂ મુકાબલામાં જ શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. માત્ર 18 વર્ષની ઉંમરના બેસને લાયન્સ તરફથી રમતા બોલેન્ડ સામેની મેચમાં કુલ 99 રન આપીને 11 વિકેટ ઝડપી હતી. આ સાથે તેઓ દક્ષિણ આફ્રિકાના ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ કરનાર ઝડપી બોલર બની ગયા છે.

બેસને મેચની પ્રથમ ઇનિંગ્સમાં 62 રન આપીને 7 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં 37 રન આપીને 4 વિકેટ પોતાના નામે કરી હતી. ખાસ વાત એ રહી કે પ્રથમ ઇનિંગ્સમાં તેણે બોલેન્ડના ટોપ-7 બેટ્સમેનોમાંથી તમામના વિકેટ લીધા હતા.

બેસને પોતાના ત્રીજા ઓવરમાં ઓપનર બ્લેડ કેપેલને બોલ્ડ કરીને વિકેટનો સિલસિલો શરૂ કર્યો હતો. ત્યારબાદ ગેવિન કપલાનને પ્રથમ જ બોલે શૂન્ય રને પેવેલિયન મોકલ્યો હતો. તેણે રુઆન ટરબ્લાંચ અને બે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશિપ કરી ચૂકેલા નીલ બ્રાન્ડને પણ આઉટ કર્યા હતા. બોલેન્ડનો સ્કોર 90 રન થયો ત્યાં સુધીમાં તેની છ વિકેટ પડી ગઈ હતી અને તમામ છ વિકેટ બેસને લીધી હતી.

બેસન માટે આ સફળતા અચાનક નથી. 2026ના અંડર-19 વર્લ્ડ કપમાં પણ તેઓ દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ બોલર રહ્યા હતા. ડેબ્યૂ મેચના શાનદાર પ્રદર્શન બાદ બેસને કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની પ્રથમ મેચ આટલી સારી રીતે પૂરી થશે. તેણે પોતાના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર એલન ડોનાલ્ડ પણ બેસનથી ખૂબ પ્રભાવિત થયા છે. ડોનાલ્ડે તેની સરખામણી કાગિસો રબાડા સાથે કરતાં કહ્યું કે આવા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની શોધ થાય ત્યારે તેને યોગ્ય રીતે તૈયાર કરીને આગળ વધારવા જોઈએ.

Exit mobile version