પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ ખાને આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. જોકે, સોહેલ ઘરેલુ સફેદ બોલ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
39 વર્ષીય ખેલાડી લાંબા સમયથી પાકિસ્તાન ટીમની બહાર હતો. તેણે સપ્ટેમ્બર 2017માં પાકિસ્તાન માટે છેલ્લી મેચ રમી હતી. સોહેલે પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, 13 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે અનુક્રમે 27, 19 અને 5 વિકેટ લીધી હતી. તેણે 121 ફર્સ્ટ ક્લાસ મેચમાં 516 આઉટ કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર પોતાની એક તસવીર શેર કરતી વખતે, સોહેલે લખ્યું, “મારી નજીકના લોકો સાથે ખૂબ ચર્ચા કર્યા પછી, મેં આંતરરાષ્ટ્રીય અને પ્રથમ વર્ગ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB), મારો પરિવાર, કોચ, માર્ગદર્શક, સાથી ખેલાડીઓ, પ્રશંસકો અને મને સપોર્ટ કરનારા તમામનો ખૂબ ખૂબ આભાર. હું ઘરેલુ સફેદ બોલ અને ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ.
સોહેલે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે પાકિસ્તાનની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થઈ શક્યો નહોતો. સોહેલે 8 વર્ષ પહેલા જ્યારે ભારત સામેની મેચમાં તબાહી મચાવી હતી ત્યારે તે હેડલાઈન્સમાં આવ્યો હતો. સોહેલે વર્લ્ડ કપ 2015માં એડિલેડ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયા વિરુદ્ધ 5 વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, એમએસ ધોની અને અજિંક્ય રહાણે જેવા મજબૂત ખેલાડીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા. જોકે, ભારત આ મેચ 76 રનથી જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે 300/7નો સ્કોર કરીને પાકિસ્તાનને 224 રનમાં આઉટ કરી દીધું હતું.
After a thorough consultation with my close ones, I’ve decided to retire from International & First Class Cricket.
Big thank you to PCB, my family, coaches, mentors, teammates, fans, and everyone who supported me. 🙏
I would continue playing domestic white ball & franchise 🏏 pic.twitter.com/yb8daW6mEx
— Sohail Khan (@iSohailKhanPak) September 3, 2023