પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે જે શેડ્યૂલની તૈયારી કરી રહ્યું છે, તેમાં ભારતને સમગ્ર ટુર્નામેન્ટ માટે એક શહેર સુધી મર્યાદિત રાખવામાં આવી શકે છે. 17 વર્ષમાં પહેલીવાર ભારતીય ટીમનો પાકિસ્તાન પ્રવાસ શક્ય બને તે માટે PCB દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.
પીસીબી કરાચી, લાહોર અને રાવલપિંડીને બે સપ્તાહની ટૂર્નામેન્ટની યજમાની કરવા પર વિચાર કરી રહી છે. ESPNCricinfo ના અનુસાર ભારતની તમામ મેચો લાહોરમાં ખસેડવામાં આવી શકે છે કારણ કે ફાઇનલ પણ અહીં રમાવવાની છે.
ભારતને એક જ શહેરમાં સમાવવાથી સુરક્ષાની ચિંતા ઓછી થઈ શકે છે. લાહોરમાં હોવાથી વાઘા બોર્ડર પણ નજીકમાં જ હશે, તેથી ભારતીય ચાહકો માટે ત્યાં જવાનું સરળ રહેશે. પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે તેમણે ડ્રાફ્ટ તૈયાર કરીને આઈસીસીને મોકલી દીધો છે. ડ્રાફ્ટ પર હજુ ચર્ચા થવાની બાકી છે અને સૌથી મહત્વનો મુદ્દો એ હશે કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં.
2008ના એશિયા કપ બાદ ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી નથી. તે જ વર્ષે મુંબઈ હુમલા બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. ગયા વર્ષે, જ્યારે પાકિસ્તાને એશિયા કપનું આયોજન કર્યું હતું, ત્યારે તેમને હાઇબ્રિડ મોડલ અપનાવવાની ફરજ પડી હતી. ભારતે તેની તમામ મેચ શ્રીલંકામાં રમી જેમાં પાકિસ્તાન સામેની મેચ પણ સામેલ છે.
ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાને પોતાના માટે હાઇબ્રિડ મોડલની માંગણી કરી હતી, પરંતુ તેના પર ક્યારેય કોઈ ગંભીર ચર્ચા થઈ નથી. પાકિસ્તાને તેની મેચ પાંચ અલગ-અલગ ગ્રાઉન્ડમાં રમી અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તેનો નિર્ણય BCCIને બદલે ભારત સરકારના હાથમાં છે.
PCB draft schedule has all Team India's games in Champions Trophy 2025 in Lahore. (ESPNcricinfo). pic.twitter.com/ty7WPK1QT2
— Tanuj Singh (@ImTanujSingh) May 1, 2024