ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પસંદગીકારોએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ભારતને 3 T-20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે.
ત્રણેય ટીમો માટે અલગ-અલગ કેપ્ટનોની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ત્રણ મેચની T20 શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે, KL રાહુલ ODI ટીમનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે.
પસંદગીકારોએ ત્રણેય ફોર્મેટમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે પરંતુ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને માત્ર ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે ક્રિકેટ ચાહકો માટે આશ્ચર્યજનક છે. પૂર્વ ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહે પણ ચહલને ટી20 ટીમમાં સામેલ ન કરવા બદલ પસંદગીકારોની ઝાટકણી કાઢી છે. ભજ્જીએ કહ્યું કે પસંદગીકારોએ ચહલને લોલીપોપ આપી છે.
હરભજને તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું, “ટી-20 ફોર્મેટમાં યુઝવેન્દ્ર ચહલ નથી. તમે તેને ODIમાં રાખ્યો છે પરંતુ T-20માં નહીં. તમે તે વ્યક્તિને લોલીપોપ આપી છે.”
યુઝવેન્દ્ર ચહલ ટી-20માં 80 મેચમાં 8.19ના ઇકોનોમી રેટથી 96 વિકેટ સાથે ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. વનડેમાં ચહલે 72 મેચમાં 5.26ના ઈકોનોમી રેટથી 121 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં ચહલને T-20 ટીમમાં ન જોઈને ઘણા ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
તે જ સમયે, હરભજન સિંહે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે વિશે વધુ વાત કરી. તેણે કહ્યું, “દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ આસાન નથી. તે બેટ્સમેનો માટે મુશ્કેલ છે. તમારી પાસે ત્યાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે નહીં હોય. યુવાનોને ખરેખર તકો મળી રહી છે. તે સારી વાત છે. પરંતુ મને નથી લાગતું કે પસંદગીકારોએ રહાણે, પુજારા કે ઉમેશ યાદવ સાથે કોઈ વાતચીત કરી નથી કારણ કે જ્યારે પણ યાદવ ટેસ્ટમાં રમ્યા છે ત્યારે તેઓએ પ્રદર્શન કર્યું છે.