ODIS

ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારની શક્યતા

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદ BCCI કોચિંગ સ્ટાફના ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ બેઠક યોજવાની તૈયારીમાં છે. ખાસ કરીને સહાયક કોચ રિયાન ટેન ડોસ્કેટે અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલના કરાર પૂર્ણ થવાના હોવાથી તેના ભવિષ્ય પર ચર્ચા થવાની શક્યતા છે.

અહેવાલો મુજબ BCCI હાલમાં બંને કોચ સાથે સતત સંપર્કમાં છે અને તેઓ આગામી સમયમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા રહેશે કે નહીં તે અંગે વિચારણા ચાલી રહી છે. બીજી તરફ ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના ફિલ્ડિંગ સ્તરમાં ઘટાડો જોવા મળતા તેના ભવિષ્ય અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે.

ગૌતમ ગંભીરે મુખ્ય કોચ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પોતાની પસંદગીના કેટલાક સભ્યોને સપોર્ટ સ્ટાફમાં સામેલ કર્યા હતા. જોકે હવે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ સમગ્ર કોચિંગ સ્ટાફનું મૂલ્યાંકન કરવામાં આવશે. BCCIનું મુખ્ય લક્ષ્ય આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો અને શ્રીલંકા પ્રવાસને ધ્યાનમાં રાખીને વધુ મજબૂત સપોર્ટ સ્ટાફ તૈયાર કરવાનો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર BCCI કોઈપણ નિર્ણય ઉતાવળમાં લેવા માંગતી નથી. દરેક કોચના યોગદાન, ટીમના પરિણામો તેજ ખેલાડીઓ સાથેના તેમના સંકલનનું વિશ્લેષણ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો જરૂરી લાગશે તો નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી શકે છે.

હાલ માટે રિયાન ટેન ડોસ્કેટે અને મોર્ને મોર્કેલનું ભવિષ્ય અનિશ્ચિત છે, જ્યારે ટી. દિલીપની ભૂમિકા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી પૂર્ણ થયા બાદ BCCIનો અંતિમ નિર્ણય સામે આવવાની સંભાવના છે. ભારતીય ક્રિકેટમાં આગામી દિવસોમાં કોચિંગ સ્ટાફમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version