ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે 13 જુલાઈનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે લગભગ 18 વર્ષ સુધી કોચ તરીકે અને 2008થી ખેલાડી સહિત કુલ લગભગ 19 વર્ષના જોડાણ બાદ CSK સાથેનો પોતાનો સફર સમાપ્ત કરી દીધો છે. બંને પક્ષોએ પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હોવાનું ફ્રેન્ચાઇઝીએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ 2008માં IPLની પ્રથમ સિઝનમાં CSK સાથે ખેલાડી તરીકે જોડાયા હતા. ત્યારબાદ 2009થી તેણે મુખ્ય કોચ તરીકે જવાબદારી સંભાળી અને ટીમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી. તેના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ IPL ટ્રોફી અને બે ચેમ્પિયન્સ લીગ T20 ખિતાબ જીત્યા. ફ્લેમિંગ અને મહેન્દ્ર સિંહ ધોનીની જોડી IPL ઇતિહાસની સૌથી સફળ કેપ્ટન-કોચ જોડીઓમાં ગણાય છે.
CSK દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું કે આ નિર્ણય બંને પક્ષો વચ્ચે સન્માન અને પારદર્શક ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટે ફ્લેમિંગના યોગદાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેણે માત્ર જીત અપાવી નથી, પરંતુ ટીમમાં શિસ્ત, સ્થિરતા અને ટીમવર્કની સંસ્કૃતિ પણ વિકસાવી છે.
વિદાય સમયે ફ્લેમિંગે ભાવુક સંદેશ આપતાં કહ્યું કે “18 વર્ષ રમતગમતમાં ખૂબ લાંબો સમય હોય છે. હું અહીંથી માત્ર આભારની લાગણી સાથે જઈ રહ્યો છું. CSK સાથે વિતાવેલો સમય મારા કોચિંગ કારકિર્દીનો સૌથી મોટો ગૌરવ રહ્યો છે. અહીં મળેલી યાદો જીવનભર મારી સાથે રહેશે અને હું હંમેશા CSKનો સમર્થક રહીશ.”
ફ્લેમિંગના વિદાય બાદ હવે CSKના નવા કોચ તરીકે કોણ આવશે તે અંગે ચર્ચા તેજ બની છે. કેટલાક અહેવાલો અનુસાર પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાની ટીમના નવા કોચિંગ સેટઅપમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જોકે ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી નવા મુખ્ય કોચના નામની સત્તાવાર જાહેરાત કરી નથી.
𝗘𝘃𝗲𝗿𝘆 𝗲𝗿𝗮 𝗵𝗮𝘀 𝗶𝘁𝘀 𝗳𝗶𝗻𝗮𝗹 𝗰𝗵𝗮𝗽𝘁𝗲𝗿💔
After 1⃣8⃣ glorious years, the 𝗦𝘁𝗲𝗽𝗵𝗲𝗻 𝗙𝗹𝗲𝗺𝗶𝗻𝗴 – 𝗦𝘂𝗽𝗲𝗿 𝗞𝗶𝗻𝗴𝘀 story reaches its end.
Thank you, Flem💛#CSK #StephenFleming pic.twitter.com/TsKxE7YPWi
— CricTracker (@Cricketracker) July 13, 2026

