ODIS

નિવૃત્તિની અટકળોથી રોહિત શર્મા નારાજ

ભારતીય ક્રિકેટમાં રોહિત શર્માની વનડે નિવૃત્તિને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મોટો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ રોહિત શર્મા પોતાના ભવિષ્ય અંગે ફેલાયેલી ચર્ચાઓથી નારાજ હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ સમગ્ર મામલાને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યું છે.

અહેવાલ મુજબ, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાનારી ત્રીજી અને અંતિમ વનડેને રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ તરીકે દર્શાવવામાં આવી રહી હતી. જોકે BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ તમામ અહેવાલોને ફગાવી દીધા છે. તેણે સ્પષ્ટ કર્યું કે રોહિત શર્માની નિવૃત્તિ અંગે બોર્ડમાં કોઈ ચર્ચા થઈ નથી અને તે હજુ પણ ભારતની વનડે યોજનાઓનો મહત્વનો ભાગ છે.

બીજી તરફ, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા પોતાના ભવિષ્ય અંગે ફેલાયેલી અટકળોથી ખુશ નથી. સાથે જ BCCI પણ આ બાબતે અસંતુષ્ટ છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગી પ્રક્રિયા સંબંધિત સંવેદનશીલ માહિતી જાહેરમાં કેવી રીતે પહોંચી. બોર્ડનું માનવું છે કે આવી બાબતો મીડિયામાં લીક થવી યોગ્ય નથી અને તેનાથી ખેલાડીઓ પર અનાવશ્યક દબાણ સર્જાય છે.

તાજેતરમાં રોહિતના ફોર્મ અને 2027 વર્લ્ડ કપમાં તેમની ભૂમિકાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. જોકે BCCIએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હાલમાં રોહિત શર્મા ટીમમાંથી બહાર થવાના નથી અને લોર્ડ્સ વનડે તેની કારકિર્દીની છેલ્લી મેચ નહીં બને.

હવે તમામની નજર લોર્ડ્સમાં રમાનારી નિર્ણાયક વનડે પર રહેશે. મેદાન પર રોહિત શર્મા પોતાના બેટથી જવાબ આપે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ BCCIના સ્પષ્ટ નિવેદન બાદ નિવૃત્તિની અટકળોને હાલ માટે વિરામ મળ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version