ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે 2027ના વનડે વર્લ્ડ કપ માટે પોતાની મનપસંદ ભારતની પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. જાફરની ટીમમાં અનુભવ અને યુવા પ્રતિભા વચ્ચે સંતુલન જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે, જ્યારે બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપ્યું છે.
જાફરે ઓપનિંગ માટે રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પસંદ કરી છે. ગિલને તેણે ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. ત્રીજા ક્રમે વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે, જ્યારે ચોથા નંબરે શ્રેયસ અય્યરનો સમાવેશ કર્યો છે. મધ્યક્રમમાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા ટીમને સંતુલન આપે છે. સ્પિન ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ અને મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવને પસંદ કરવામાં આવ્યા છે.
ફાસ્ટ બોલિંગ વિભાગમાં જસપ્રિત બુમરાહ સાથે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને સ્થાન મળ્યું છે. શમી અને સિરાજ હાલમાં ભારતીય ટીમમાં સતત રમતા ન હોવા છતાં જાફરે તેના અનુભવ અને મોટા ટૂર્નામેન્ટમાં મેચ જીતાડવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરી છે.
જાફરની આ પ્લેઇંગ ઇલેવનમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું યોગ્ય મિશ્રણ જોવા મળે છે. 2027ના વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં અનેક ફેરફારો થવાની સંભાવના છે, પરંતુ જાફરનું માનવું છે કે મોટા મંચ પર અનુભવ ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. તેની પસંદગીને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા સિનિયર ખેલાડીઓને સ્થાન આપવાના નિર્ણયને લઈને ક્રિકેટ ચાહકો અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
