ટેસ્ટ શ્રેણીમાં નબળા પ્રદર્શનને કારણે પૃથ્વી શોને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો….
ઇંગ્લેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટેસ્ટ શ્રેણી માટે પસંદ થયેલ 20 સભ્યોની ટીમમાં ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, ત્યારબાદ આ ખેલાડી તેની રજા પર ગોવા જઈ રહ્યો હતો. જો કે, તેને પોલીસનો સામનો કરવો પડ્યો હતો જેણે તેને વચ્ચેથી અટકાવ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર પૃથ્વી શો કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે કોલ્હાપુરથી કાર મારફતે ગોવા જઇ રહ્યો હતો.
કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે મહારાષ્ટ્રમાં લોકડાઉન ચાલુ છે અને અનેક પ્રકારના પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આને કારણે, જો કોઈ મહારાષ્ટ્રમાં મુસાફરી કરવા માંગે છે, તો તેમને ફરજિયાત ઇ-પાસની જરૂર છે અને તેની સાથે ઇ-પાસ ન હોવાને કારણે પોલીસે તેમને લગભગ એક કલાક અટકાવ્યો હતો.
આ પછી પૃથ્વી શોએ ઓનલાઈન ઇ-પાસ માટે અરજી કરી અને તે મળી જતા પોલીસે તેને વધુ મુસાફરી કરવાની મંજૂરી આપી. નોંધપાત્ર વાત એ છે કે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરની ટેસ્ટ શ્રેણીમાં નબળા પ્રદર્શનને કારણે પૃથ્વી શોને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.