OFF-FIELD

વિરાટ કોહલી કે રોહિત શર્મા? સંપત્તિના મામલે કોણ છે આગળ

ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાનની સાથે કમાણીમાં પણ ટોચ પર છે, પરંતુ નેટવર્થની રેસમાં કોહલી ઘણી આગળ હોવાનું સામે આવ્યું છે.

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર Virat Kohli અને Rohit Sharma માત્ર પોતાના શાનદાર પ્રદર્શન માટે જ નહીં પરંતુ તેમની જબરદસ્ત કમાણી માટે પણ જાણીતા છે. બંને ખેલાડીઓએ ક્રિકેટ ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બિઝનેસ અને રોકાણ દ્વારા મોટી સંપત્તિ ઉભી કરી છે. તાજેતરના અહેવાલો મુજબ વિરાટ કોહલી નેટવર્થના મામલે રોહિત શર્માથી ઘણાં આગળ છે.

અહેવાલ અનુસાર વિરાટ કોહલીની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 1050 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કોહલીની આવકનો મોટો હિસ્સો ક્રિકેટ કરાર, IPL, સોશિયલ મીડિયા અને અનેક મોટી બ્રાન્ડ્સ સાથેના કરારોમાંથી આવે છે. તાજેતરમાં તેની બ્રાન્ડ વેલ્યુ પણ ભારતના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટી તરીકે નોંધાઈ હતી.

બીજી તરફ રોહિત શર્માની કુલ સંપત્તિ અંદાજે 250 થી 300 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. રોહિત પણ અનેક જાણીતી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે અને IPL તેમજ BCCI કરારોમાંથી મોટી આવક મેળવે છે. જોકે કુલ નેટવર્થની બાબતમાં તેઓ હજુ પણ કોહલીથી પાછળ છે.

રસપ્રદ વાત એ છે કે IPL કમાણીમાં બંને ખેલાડીઓ વચ્ચે ખૂબ મોટો તફાવત નથી. રોહિત શર્માએ પોતાની IPL કારકિર્દીમાં 211 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે, જ્યારે વિરાટ કોહલીની IPL આવક પણ 209 કરોડ રૂપિયાથી વધુ છે. તેમ છતાં બ્રાન્ડ ડીલ્સ અને વ્યાપારી રોકાણોના કારણે કોહલીની કુલ સંપત્તિ ઝડપથી વધી છે.

આંકડાઓ દર્શાવે છે કે ક્રિકેટના મેદાન પર ભલે બંને ખેલાડીઓની તુલના સતત થતી રહે, પરંતુ સંપત્તિના મામલે હાલમાં વિરાટ કોહલી સ્પષ્ટ રીતે આગળ છે અને ભારતીય રમતજગતમાં સૌથી ધનિક ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.

Exit mobile version