OFF-FIELD

‘ટર્મિનેટર 6’ કેમ કહેવાયો વૈભવ સૂર્યવંશી?

ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયાના યુવા બેટરો અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીને લઈને એક રસપ્રદ ટિપ્પણી કરી છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. યુવરાજે વૈભવ સૂર્યવંશીને ‘ટર્મિનેટર 6’નું હુલામણું નામ આપ્યું, જ્યારે અભિષેક શર્માને ‘ટર્મિનેટર 4’ તરીકે સંબોધ્યો.

યુવરાજ સિંહે જણાવ્યું કે તેઓ પોતાને ‘ઓરિજિનલ ટર્મિનેટર’ માને છે. તેના મતે ભારતીય ક્રિકેટમાં આક્રમક બેટિંગની પરંપરા સતત આગળ વધી રહી છે. તેણે કહ્યું કે, “હું ટર્મિનેટર હતો, ત્યારબાદ અભિષેક શર્મા ટર્મિનેટર 4 બન્યો અને હવે વૈભવ સૂર્યવંશી ટર્મિનેટર 6 છે. દરેક નવી પેઢી અગાઉની પેઢી કરતાં વધુ નિડર અને વધુ આક્રમક ક્રિકેટ રમી રહી છે.”

યુવરાજે ખાસ કરીને માત્ર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતાં કહ્યું કે તે ભવિષ્યનો ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને જો તક મળશે તો તેઓ તેને પણ અભિષેક શર્માની જેમ માર્ગદર્શન આપવા ઈચ્છશે. યુવરાજના જણાવ્યા પ્રમાણે વૈભવમાં લાંબી કારકિર્દી બનાવવાની તમામ ક્ષમતા છે અને તે ભારતીય ક્રિકેટ માટે મોટો સ્ટાર બની શકે છે.

વૈભવ સૂર્યવંશીએ પણ યુવરાજ સિંહને પોતાનો આદર્શ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે યુવરાજ સાથે પ્રથમ મુલાકાત તેના માટે યાદગાર ક્ષણ હતી. યુવરાજે તેને માત્ર બેટિંગ જ નહીં પરંતુ દબાણમાં કેવી રીતે રમવું, માનસિક રીતે મજબૂત કેવી રીતે રહેવું અને આત્મવિશ્વાસ જાળવવાની મહત્વપૂર્ણ સલાહ આપી હતી. વૈભવનું માનવું છે કે આ માર્ગદર્શન તેની ક્રિકેટ કારકિર્દીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

અભિષેક શર્માએ પણ કહ્યું કે તેઓ યુવરાજ સિંહને પોતાના આદર્શ માને છે અને જ્યારે તેઓ પહેલી વખત યુવરાજને મળ્યા હતા ત્યારે જે ઉત્સાહ અનુભવ્યો હતો, એ જ લાગણી આજે વૈભવ સૂર્યવંશીમાં જોવા મળે છે. યુવરાજના આ નિવેદન બાદ ભારતીય ક્રિકેટના બે યુવા સ્ટાર્સ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે અને ચાહકો હવે વૈભવ પાસેથી વધુ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.

Exit mobile version