વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર બ્રાવો, આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે..
વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ટી 20 ક્રિકેટમાં 500 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. બ્રાવો બુધવારે ત્રિનિદાદમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં રહીમ કોર્નવાલે આઉટ કરતાં ની સાથેજ તે 500 વિકેટના લક્ષ્ય પર પહોંચ્યો હતો. બ્રાવો આ મેચમાં સેન્ટ લુસિયા ઝુકાસ સામે ટ્રિનબાગો નાઈટ રાઇડર્સ તરફથી રમી રહ્યો હતો.
બ્રાવોએ મેચની ચોથી ઓવરમાં રહીમ કોર્નવાલને આઉટ કર્યો હતો અને 500 વિકેટની વિશેષ સિદ્ધિ નોંધાવી હતી. ડ્વેન બ્રાવોએ તેની 459 મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. 500 વિકેટ હાંસલ કરવામાં બ્રાવોની આંતરરાષ્ટ્રીય અને ક્લબ મેચનો સમાવેશ થાય છે.
બ્રાવો પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 8.25 ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી ચૂક્યો છે અને 11 વખત મેચમાં 4 કે તેથી વધુ વિકેટ ઝડપી ચુક્યો છે. ટી 20 ક્રિકેટમાં 389 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારાઓની યાદીમાં લસિથ મલિંગા બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝના ઓફ સ્પિનર સુનીલ નારાયણ સમાન છે.
જણાવી દઈએ કે વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર બ્રાવો, આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે અને તે કેરેબિયન પ્રીમિયર લીગ સમાપ્ત થયા પછી સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ત્રિનિદાદથી દુબઈ પહોંચશે અને ટીમમાં જોડાશે.