ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ધ હન્ડ્રેડ 2026 દરમિયાન ભારતની સ્ટાર બેટર જેમિમા રોડ્રિગ્સ અને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. મેચ પૂર્ણ થયા બાદ બંને ખેલાડીઓએ એકબીજાને ઉષ્માભર્યું આલિંગન આપ્યું હતું, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ મુકાબલામાં સધર્ન બ્રેવ અને બર્મિંઘમ ફિનિક્સ આમને-સામને હતા. સધર્ન બ્રેવે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 140/3નો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ માટે માયા બૂશિયરે 45 અને લિઝેલ લીએ 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે માત્ર 18 બોલમાં અણનમ 28 રનની ઝડપી ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જવાબમાં બર્મિંઘમ ફિનિક્સની ટીમ 116/5 સુધી જ પહોંચી શકી અને સધર્ન બ્રેવે 24 રને જીત મેળવી. પાકિસ્તાનની ફાતિમા સના માટે આ મેચ ખાસ સફળ રહી નહોતી. બોલિંગ દરમિયાન તેણે 15 બોલમાં 33 રન આપ્યા હતા અને બેટિંગમાં પણ મોટી ઇનિંગ્સ રમી શકી નહોતી.
જોકે મેચ પછીનું દૃશ્ય સૌથી વધુ ચર્ચામાં રહ્યું. બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા ત્યારે જેમિમા અને ફાતિમા પહેલા હાથ મિલાવ્યો અને ત્યારબાદ એકબીજાને ગળે મળ્યા. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને અનેક ચાહકોએ તેને રમતની સાચી ભાવના અને ખેલભાવનાનું પ્રતિક ગણાવ્યું. બીજી તરફ કેટલાક લોકોએ આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોને કારણે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ મેદાન પર બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ઔપચારિકતા વધુ જોવા મળે છે. તેમ છતાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં વિવિધ દેશોના ખેલાડીઓ એક જ ટીમમાં રમે છે અને પરસ્પર સન્માન વ્યક્ત કરતા જોવા મળે છે. જેમિમા રોડ્રિગ્સ અને ફાતિમા સનાનો આ વીડિયો પણ એ જ સંદેશ આપે છે કે રમતનો મૂળ આધાર ખેલભાવના અને પરસ્પર સન્માન છે.
Everyone debating if Fatima Sana and jemimah Rodrigues would shake hands and they straight up HUGGED?!😭😭🙏
Keep politics out of sports FOREVER. pic.twitter.com/XCE2lswGlg
— A. (@anhnjo) July 30, 2026

