ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે ટીમને T20 વર્લ્ડ કપમાં તેના અનુભવની જરૂર પડશે. અગરકરે કહ્યું કે ટી20 ટીમમાં વિરાટ કોહલીના સ્થાન પર સવાલ ઉઠાવવો પાયાવિહોણો છે.
ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતને કોહલીના અનુભવની જરૂર પડશે અને આશા છે કે સ્ટાર બેટ્સમેન પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ પહેલા ફોર્મમાં પરત ફરશે.
વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડમાં કોહલીનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. કોહલીની ગેરહાજરીમાં યુવાઓએ શાનદાર પ્રદર્શન કર્યું, જે બાદ પૂર્વ કેપ્ટનની જગ્યા પર સવાલો ઉભા થયા. વિરાટ કોહલીને જ્યારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો ત્યારે બેટ્સમેન ફોર્મમાં કેમ નહોતા તેવા સવાલો ઉભા થયા હતા. કોહલીએ 2022માં માત્ર ચાર T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી અને તેના પર દબાણ ખૂબ જ વધી ગયું છે.
દીપક હુડ્ડા અને સૂર્યકુમાર યાદવે આ વર્ષે T20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને કોહલી પર દબાણ વધાર્યું છે. અજિત અગરકરે ફેન કોડ સાથેની વાતચીતમાં કહ્યું, ‘કોહલી શરૂઆત કરી રહ્યો છે. અત્યારે તે બહાર નીકળવાના નવા રસ્તા શોધી રહ્યો છે. તે જાણે છે કે કેવી રીતે રન બનાવવા. અત્યારે તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે દરેક ખેલાડીના જીવનમાં બને છે. આશા છે કે તે જલ્દી ફોર્મમાં આવી જશે કારણ કે 2023માં 50 ઓવરનો વર્લ્ડ કપ પણ યોજાવાનો છે.
અગરકરે વધુમાં કહ્યું, ‘કોહલીને વર્લ્ડ કપ પહેલા થોડો સમય મળશે. પરંતુ તમે ક્યારેય નથી ઈચ્છતા કે વિરાટ કોહલી જેવા લેવલનો ખેલાડી લાંબા સમયથી ખરાબ ફોર્મનો ભોગ બને. તેણે ઈંગ્લેન્ડમાં થોડી શરૂઆત કરી, પરંતુ મેં તેને તેના શ્રેષ્ઠ દેખાવમાં જોયો ન હતો. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ થોડી ચિંતિત છે.
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી હવે એશિયા કપ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. આ વર્ષે ટૂર્નામેન્ટ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં UAEમાં યોજાશે.
