ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેણે ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પ્રથમ T20માં ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
તે T20 ઈન્ટરનેશનલમાં એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ સિવાય સૂર્યકુમાર યાદવે બાબર આઝમને પછાડીને T20 રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.
જો સૂર્યકુમાર યાદવ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20માં 24 રન પૂરા કરી લેશે તો તે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ જશે. સૂર્યાએ અત્યાર સુધી 32 ટી20 મેચમાં 976 રન બનાવ્યા છે. જો તે આગામી મેચમાં 24 રન બનાવશે તો તે 1000ના આંકને સ્પર્શી જશે. આવું કરનાર તે 9મો ભારતીય બેટ્સમેન બની જશે. આ યાદીમાં ટોચના સ્થાને કેપ્ટન રોહિત શર્મા છે જેણે 140 મેચમાં 3694 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલી 108 મેચમાં 3663 રન સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં 2080 રન સાથે કે.એલ. રાહુલ ત્રીજા સ્થાને છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે. આ મેચમાં સૂર્યા 1000 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પહોંચવાનો પ્રયાસ કરશે અને આ સિવાય તે આ મેચમાં ભારતને જીતાડીને શ્રેણીમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે.