ક્રિકેટ 128 વર્ષ બાદ ફરી એકવાર ઓલિમ્પિક્સમાં પરત ફરવા જઈ રહ્યું છે. 2028માં અમેરિકાના લોસ એન્જેલસમાં યોજાનારા ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સ્થાન મળતાં જ ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારતના પૂર્વ ઝડપી બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને એક ખાસ સૂચન આપ્યું છે. તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ઓલિમ્પિક્સમાં ભારત માટે વિરાટ કોહલી અને યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ઓપનિંગ જોડી તરીકે મેદાનમાં ઉતરે.
શ્રીસંતનું માનવું છે કે ભારતને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતાડવા માટે અનુભવી અને યુવા ખેલાડીઓનું શ્રેષ્ઠ સંયોજન જરૂરી છે. તેણે કહ્યું કે વિરાટ કોહલીની ફિટનેસ આજે પણ અદભૂત છે અને જો પસંદગીકારો તેને ફરી ટી20 ટીમમાં સામેલ કરે તો તે ભારત માટે મોટો ફાયદો બની શકે છે. શ્રીસંતે ખાસ કરીને વૈભવ સૂર્યવંશી સાથે કોહલીને રમતા જોવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વિરાટ કોહલીએ 2024ના ટી20 વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમ છતાં તેઓ હજુ પણ આઈપીએલ અને વનડે ક્રિકેટમાં સક્રિય છે. બીજી તરફ માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેણે સીઝનમાં 776 રન બનાવીને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો અને હવે તે ભારતીય ટીમના ભવિષ્યના સૌથી મોટા સ્ટાર્સમાં ગણાય છે.
શ્રીસંતે તો એટલું પણ કહ્યું કે વૈભવ સૂર્યવંશી ભવિષ્યમાં ભારતને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ અપાવી શકે છે. તેના મતે, કોહલીનો અનુભવ અને વૈભવની નિર્ભય બેટિંગ ભારતને વિશ્વની સૌથી મજબૂત ટીમ બનાવી શકે છે. જોકે હાલ આ માત્ર એક સૂચન છે, પરંતુ ક્રિકેટ ચાહકો માટે વિરાટ અને વૈભવની ઓપનિંગ જોડી ખરેખર રોમાંચક કલ્પના સાબિત થઈ શકે છે.
Former Indian bowler S Sreesanth said 🗣️
“ Virat & Vaibhav together at the Olympics would be so much to watch, please yaar, get him ( Virat Kohli ) in the olympics team” 🔥🏏 pic.twitter.com/us6z06rJr0
— CricFit (@CricFit) June 11, 2026

