OFF-FIELD

નિમણૂક પત્ર મળતા માતા અને પત્ની થયા ભાવુક

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર આકાશ દીપ માટે 24 જુલાઈનો દિવસ જીવનની વધુ એક યાદગાર સિદ્ધિ બની ગયો. બિહાર સરકારની ઉત્કૃષ્ટ ખેલાડીઓ માટેની સીધી ભરતી યોજના હેઠળ આકાશ દીપને પોલીસ ઉપાધીક્ષક (DSP) તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમની સાથે ભારતીય ટીમના અન્ય ઝડપી બોલર મુકેશ કુમારને પણ DSP પદ માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યો છે.

નિમણૂક પત્ર સ્વીકારતી વખતે આકાશ દીપના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ ખાસ પ્રસંગે તેની માતા અને પત્ની અક્ષિતા રાજ પણ હાજર હતા. વર્ષો સુધી સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચેલા આકાશ દીપને આ સન્માન મળતાં પરિવારની આંખો ભીની થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં તેની માતા તથા પત્ની ભાવુક નજરે પડ્યા હતા.

આકાશ દીપનો જીવનપ્રવાસ પ્રેરણાદાયક રહ્યો છે. બિહારના સામાન્ય પરિવારમાંથી આવતા આકાશના પિતા ઇચ્છતા હતા કે તેનો પુત્ર સરકારી નોકરી કરે, પરંતુ આકાશનું સપનું ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો હતું. પરિવારના મુશ્કેલ સમયમાં તેણે પિતા અને મોટા ભાઈને ગુમાવ્યા છતાં હિંમત હારી નહોતા અને સતત મહેનત કરીને ભારતીય ટીમ સુધી પહોંચ્યા.

તાજેતરમાં જ આકાશ દીપે પોતાના જીવનની નવી ઇનિંગ્સની શરૂઆત કરતાં અક્ષિતા રાજ સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ થોડા જ સમયમાં તેને DSP જેવી પ્રતિષ્ઠિત સરકારી જવાબદારી પણ મળી છે, જેના કારણે પરિવારની ખુશીમાં વધુ વધારો થયો છે.

ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવ્યા બાદ સરકારી સેવામાં પણ મહત્વપૂર્ણ સ્થાન મળવું આકાશ દીપ માટે ગૌરવની વાત છે. ચાહકો સોશિયલ મીડિયા પર તેને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેના સંઘર્ષને યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે. ક્રિકેટના મેદાન પર દેશનું નામ રોશન કરનાર આકાશ દીપ હવે વહીવટી જવાબદારી સાથે પણ નવી ઇનિંગ્સ શરૂ કરવા તૈયાર છે.

Exit mobile version