ઇંગ્લેન્ડ સામે ચોથી ટી-20 મેચમાં ભારતને મળેલી કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રેયાન ટેન ડોશેટે ટીમના પ્રદર્શન અંગે ખુલ્લેઆમ પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેણે સ્વીકાર્યું કે ભારતીય ટીમ વિદેશી પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરવામાં સતત નિષ્ફળ રહી રહી છે અને હવે માત્ર ચર્ચા નહીં પરંતુ વિચારસરણીમાં ફેરફાર કરવાની જરૂર છે.
ટેન ડોશેટે જણાવ્યું કે ભારતમાં રમાતી પરિસ્થિતિઓ અને વિદેશની પિચો વચ્ચે મોટો તફાવત હોય છે. ભારતમાં જે રમત સફળ થાય છે, તે ઇંગ્લેન્ડ અથવા અન્ય દેશોમાં કામ કરતી નથી. તેણે કહ્યું કે ટીમ લાંબા સમયથી અનુકૂલન (Adaptability) વિશે વાત કરી રહી છે, પરંતુ હવે તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે.
તેણે વધુમાં કહ્યું કે ટીમે પોતાને સવાલ પૂછવો પડશે કે શું તેઓ માત્ર ભારતની અનુકૂળ પિચો પર 250થી વધુ રન બનાવીને ખુશ રહેવા માંગે છે કે પછી દુનિયાભરની અલગ-અલગ પરિસ્થિતિઓમાં પણ સતત સફળ થતી ટીમ બનવા માંગે છે. તેના મતે આ માટે ખેલાડીઓએ પોતાની માનસિકતા અને રમત બંનેમાં જરૂરી ફેરફાર કરવો પડશે.
ભારતને પહેલા આયર્લેન્ડ સામે ટી-20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ઇંગ્લેન્ડ સામે પણ શ્રેણી ગુમાવવી પડી છે. સતત મળતી આ નિષ્ફળતાઓએ ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો કર્યો છે. ટેન ડોશેટે સ્વીકાર્યું કે પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ વિદેશી પરિસ્થિતિઓને ઝડપથી સમજવાની અને તે પ્રમાણે રમત બદલવાની જરૂર છે.
હવે ભારતીય ટીમ માટે આગામી મુકાબલો માત્ર શ્રેણી પૂર્ણ કરવાનો નહીં, પરંતુ આત્મવિશ્વાસ પાછો મેળવવાનો પણ રહેશે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે ખેલાડીઓ ભૂલોમાંથી શીખીને આવનારી વિદેશી શ્રેણીઓમાં વધુ મજબૂત પ્રદર્શન કરશે.
An honest take from India’s assistant coach#RyanTenDoeschate #IndianCricket #INDvsENG #T20I #CricketTwitter pic.twitter.com/gkNcSHuPH6
— InsideSport (@InsideSportIND) July 10, 2026

