ODIS

300 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી સૌથી યુવા મહિલા ક્રિકેટર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી મહિલા ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાં જ મંધાનાએ પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 300મી મેચ પૂર્ણ કરી હતી. ખાસ વાત એ છે કે તે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરે 300 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે. 29 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરીને મંધાનાએ મહિલા ક્રિકેટમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે.

સ્મૃતિ મંધાનાએ વર્ષ 2013માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી સતત ટીમ ઈન્ડિયાની સૌથી વિશ્વસનીય બેટરોમાં સ્થાન જાળવી રાખ્યું છે. પોતાની શાનદાર બેટિંગ, આક્રમક રમત અને સતત પ્રદર્શનના કારણે તેણે વિશ્વ ક્રિકેટમાં અલગ ઓળખ બનાવી છે. ટેસ્ટ, વનડે અને ટી-20 – ત્રણેય ફોર્મેટમાં તેણે અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે અને ભારતને ઘણી મહત્વપૂર્ણ જીત અપાવી છે.

300મી આંતરરાષ્ટ્રીય મેચના ખાસ અવસર પર સ્મૃતિ મંધાનાએ જણાવ્યું કે આ સિદ્ધિ તેના માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. તેણે કહ્યું કે ભારત માટે આટલી લાંબી કારકિર્દી દરમિયાન રમવાની તક મળવી એ કોઈપણ ખેલાડી માટે સૌથી મોટું સન્માન છે. તેણે પોતાના પરિવાર, ટીમના સાથી ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો, જેમણે હંમેશા તેનો સાથ આપ્યો છે.

મંધાનાના નામે પહેલાથી જ અનેક મોટા રેકોર્ડ નોંધાયેલા છે. તે સૌથી ઝડપી 10,000 આંતરરાષ્ટ્રીય પૂર્ણ કરનાર ભારતીય મહિલા બેટર બની ચૂકી છે અને મહિલા ક્રિકેટમાં ભારતની સૌથી સફળ ઓપનરોમાં તેની ગણના થાય છે. હવે સૌથી ઓછી ઉંમરે 300 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ તેની કારકિર્દીમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરે છે. ક્રિકેટ જગતના દિગ્ગજો અને ચાહકો સોશિયલ મીડિયા પર તેને અભિનંદન પાઠવી રહ્યા છે અને તેની આ ઐતિહાસિક સિદ્ધિને મહિલા ક્રિકેટ માટે પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.

Exit mobile version