ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11ને લઈને ચર્ચા તેજ બની છે. સિરીઝની પ્રથમ ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું, પરંતુ આ મેચમાં યુવા બેટર વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહોતું. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર કે. શ્રીકાંતે વૈભવને તક ન મળવા અંગે ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.
શ્રીકાંતે જણાવ્યું કે જ્યારે પ્રથમ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11 જાહેર થઈ અને તેમાં વૈભવ સૂર્યવંશીનું નામ નહોતું, ત્યારે તેઓ પણ નિરાશ થયા હતા. તેણે કહ્યું કે ભારત માટે અગાઉની ટી20 મેચમાં વૈભવ પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં તેને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય યોગ્ય નથી.
પ્રથમ ટી20માં સંજુ સેમસન પણ બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો. આ અંગે શ્રીકાંતે કહ્યું કે વૈભવ અને સંજુ સેમસન બંનેને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવી રહ્યા નથી. તેના મતે ખેલાડીને સતત બે-ત્રણ મેચમાં તક આપવી જોઈએ, જેથી તે પોતાની ક્ષમતા સાબિત કરી શકે.
શ્રીકાંતે ખાસ કરીને વૈભવની પ્રશંસા કરતા કહ્યું કે તેણે દુલિપ ટ્રોફી, ટી20 આંતરરાષ્ટ્રીય, ઈન્ડિયા-એ અને આઈપીએલ જેવા અલગ-અલગ સ્તરે રન બનાવ્યા છે. તેથી તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
શ્રીકાંતે સંજુ સેમસન અંગે પણ કહ્યું કે તેની સાથે પણ યોગ્ય ન્યાય થવો જોઈએ. તેના મતે એક તરફ સેમસન અને બીજી તરફ વૈભવને વારંવાર તક આપીને બહાર કરવાથી બંને ખેલાડીઓના આત્મવિશ્વાસ પર અસર થઈ શકે છે. હવે બીજા ટી20માં વૈભવને તક મળે છે કે નહીં, તેના પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

