IPL 2023ની શરૂઆતથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે T20 ટીમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતે નવા ખેલાડીઓને ટીમમાં તક આપવી જોઈએ. પરંતુ સિઝન-16માં વિરાટ કોહલીએ જે રીતે પ્રદર્શન કર્યું છે તે પછી પ્રશંસકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે કે કોહલીની T20 ટીમમાં હજુ પણ જગ્યા છે.
કિંગ કોહલીએ આ વર્ષે IPLમાં રમાયેલી 14 મેચોમાં 53.25ની શાનદાર એવરેજથી 639 રન બનાવ્યા છે. તે લીગ સ્ટેજ પછી IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યો. કોહલીએ લીગ સ્ટેજમાં બે બેક ટુ બેક સદી પણ ફટકારી હતી. હવે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે પૂર્વ ભારતીય કેપ્ટનના T20 ક્રિકેટના ભવિષ્યને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે.
ગાવસ્કરનું કહેવું છે કે કોહલી જે રીતે રન બનાવી રહ્યો છે તે જોતા જો તે સિલેક્ટર હોત તો તેણે આવતા વર્ષે જૂન અને જુલાઈમાં યોજાનારી ટી-20 સિરીઝમાં ચોક્કસપણે કોહલીની પસંદગી કરી હોત.
ગાવસ્કરે સ્પોર્ટ્સ ટાકને કહ્યું, ‘આવતા વર્ષે (2024માં) T20 વર્લ્ડ કપ થશે અને તે પહેલા IPL થશે. વિરાટે આ IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જો તે આગામી આઈપીએલમાં આવો જ સ્કોર બનાવતો રહેશે તો મને લાગે છે કે તેને ટીમ ઈન્ડિયામાં પસંદ કરવો જોઈએ. આ ઉપરાંત, જો ભારત આગામી કેટલાક મહિનામાં અન્ય કોઈ ટીમ સામે T20 શ્રેણી રમે છે, તો તેના વર્તમાન ફોર્મને ધ્યાનમાં રાખીને, તે ટીમમાં હોવો જોઈએ.
તેણે આગળ કહ્યું, ‘T20માં 40-50 રન બનાવવા મુશ્કેલ છે, પરંતુ વિરાટે બે સદી ફટકારી છે, જે પ્રશંસનીય છે. જો હું પસંદગીકાર હોત, તો હું તેને જૂન-જુલાઈમાં યોજાનારી ટી-20 શ્રેણીમાં ચોક્કસપણે રાખીશ’.