બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતને આયરલેન્ડ સામે 34 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ટી20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ માટે આ પરિણામ મોટો ઝટકો સાબિત થયો. મેચ દરમિયાન કેટલાક ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન ટીમની હારનું મુખ્ય કારણ બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ભારતની હારમાં સૌથી વધુ ચર્ચા ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના પ્રદર્શનની થઈ રહી છે. તેણે ચાર ઓવરમાં 57 રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી શક્યા નહોતા. ખાસ કરીને તેના એક ઓવરમાં 27 રન જતા આયરલેન્ડને મોટો સ્કોર ઉભો કરવામાં મદદ મળી. તેની મોંઘી બોલિંગ ભારત માટે ભારે પડી.
કેપ્ટન તરીકે પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરનાર શ્રેયસ અય્યર પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં. તેની કેપ્ટનશિપ દરમિયાન કેટલાક બોલિંગ ફેરફારો પર સવાલ ઉઠ્યા, જ્યારે બેટિંગમાં પણ તેઓ માત્ર 3 રન બનાવી શક્યા. ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા.
ઉપકેપ્ટન તિલક વર્માએ 21 બોલમાં માત્ર 19 રન બનાવ્યા. મહત્વપૂર્ણ સમયે તેણે રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરતાં પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ભારત પર દબાણ વધી ગયું. બીજી તરફ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે બોલિંગમાં એક ઓવરમાં 19 રન આપ્યા અને બેટિંગમાં 12 બોલમાં માત્ર 9 રન બનાવ્યા. તેના નબળા દેખાવ બાદ આગામી મેચમાં તેને બહાર બેસાડવામાં આવે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
ઈશાન કિશન પણ પોતાની સારી ફોર્મનો લાભ ઉઠાવી શક્યા નહીં. જવાબદારીપૂર્વક ઇનિંગ સંભાળવાની જગ્યાએ તેણે ઉતાવળભર્યો શોટ રમતાં વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ભારતની રનચેઝ વધુ મુશ્કેલ બની ગઈ. આ પાંચ ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શનને કારણે ભારતને આયરલેન્ડ સામે ઐતિહાસિક હાર ભોગવવી પડી અને હવે આગામી મેચમાં ટીમ પાસેથી જોરદાર વાપસીની અપેક્ષા રહેશે.
