T-20

ટીમ ઈન્ડિયાના કોચ બનશે વીવીએસ લક્ષ્મણ

ભારતીય ક્રિકેટ ટીમના વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ મોટો નિર્ણય લીધો હોવાના અહેવાલો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઝિમ્બાબ્વે સામેની આગામી ટી-20 શ્રેણી તેમજ 2026 એશિયન ગેમ્સ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ જવાબદારી સંભાળશે. નિયમિત મુખ્ય કોચ ગૌતમ ગંભીર આ બંને ટૂર્નામેન્ટમાં ટીમ સાથે નહીં રહે.

અહેવાલો અનુસાર, એશિયન ગેમ્સ અને ભારત-વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીના કાર્યક્રમો લગભગ એકસાથે હોવાથી બીસીસીઆઈએ કોચિંગ સ્ટાફની જવાબદારીઓ વહેંચવાનો નિર્ણય લીધો છે. ગૌતમ ગંભીર ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે સિનિયર ટીમ સાથે રહેશે, જ્યારે વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ અને ત્યારબાદ એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનું માર્ગદર્શન આપશે.

વીવીએસ લક્ષ્મણ હાલમાં બીસીસીઆઈના સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)ના વડા તરીકે કાર્યરત છે અને અગાઉ પણ અનેક વખત ભારતીય ટીમના કાર્યકારી મુખ્ય કોચ તરીકે સફળ કામગીરી કરી ચૂક્યા છે. 2023ની એશિયન ગેમ્સમાં પણ તેના માર્ગદર્શન હેઠળ ભારતે ક્રિકેટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ અનુભવને ધ્યાનમાં રાખીને ફરી એકવાર તેને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ, લક્ષ્મણ સાથે કોચિંગ સ્ટાફમાં સુનીલ જોશી બોલિંગ કોચ અને કેશ કાનિટકર બેટિંગ કોચ તરીકે જોડાશે. આ જ કોચિંગ ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ એશિયન ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓને માર્ગદર્શન આપશે.

ભારતીય ક્રિકેટના વ્યસ્ત કેલેન્ડરને કારણે બીસીસીઆઈએ આ પ્રકારની અલગ-અલગ કોચિંગ વ્યવસ્થા અપનાવી છે, જેથી બંને મહત્વપૂર્ણ સ્પર્ધાઓમાં ટીમને શ્રેષ્ઠ માર્ગદર્શન મળી રહે. હવે ચાહકોની નજર રહેશે કે વીવીએસ લક્ષ્મણના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે અને એશિયન ગેમ્સમાં કેવું પ્રદર્શન કરે છે.

Exit mobile version