ભારતીય ટેસ્ટ ક્રિકેટના 94 વર્ષના સમૃદ્ધ ઇતિહાસમાં અનેક દિગ્ગજ ખેલાડીઓએ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. અત્યાર સુધી કુલ 38 ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી છે, પરંતુ તેમાં માત્ર ચાર એવા કેપ્ટન રહ્યા છે જેણે પોતાની કપ્તાની દરમિયાન એક પણ ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યો નથી. આ વિશિષ્ટ યાદીમાં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર અજિંક્ય રહાણેનું નામ પણ ગૌરવથી સામેલ છે.
આ યાદીમાં સૌથી પહેલું નામ હેમૂ અધિકારીનું છે. તેણે ભારત માટે માત્ર એક ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી અને તે મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ 1988માં રવિ શાસ્ત્રીએ વેસ્ટ ઈન્ડિઝ સામે એક ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને 255 રને ભવ્ય જીત અપાવી હતી.
ત્રીજા સ્થાને કૃષ્ણમાચારી શ્રીકાંતનું નામ આવે છે. તેણે 1989માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ચાર ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. ચારેય ટેસ્ટ ડ્રો રહ્યા હતા, જેના કારણે તેઓ પણ અજેય કેપ્ટન તરીકે નોંધાયા.
ચોથું અને સૌથી ચર્ચિત નામ અજિંક્ય રહાણેનું છે. રહાણેએ વર્ષ 2017થી 2021 દરમિયાન કુલ 6 ટેસ્ટ મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. તેમાં ભારતે ચાર મેચ જીતી હતી જ્યારે બે મેચ ડ્રો રહી હતી. ખાસ કરીને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં એડિલેડમાં 36 રનમાં ઓલઆઉટ થયા બાદ રહાણેએ ટીમને શાનદાર રીતે સંભાળી હતી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતાડીને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું હતું.
વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને સચિન તેંડુલકર જેવા મહાન કેપ્ટનોને પણ કપ્તાની દરમિયાન હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે રહાણે સહિત આ ચાર કેપ્ટનોએ પોતાના ટેસ્ટ કેરિયરમાં કેપ્ટન તરીકે ક્યારેય પરાજય જોયો નથી. તેથી આ સિદ્ધિ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં અત્યંત દુર્લભ અને યાદગાર માનવામાં આવે છે.
