ઓસ્ટ્રેલિયા ક્રિકેટે તેના ભારતના ઐતિહાસિક પ્રવાસની જાહેરાત કરી છે. આવતા મહિને શ્રીલંકામાં શરૂ થનારી આ ટુર 2023 સુધી પુરૂષ ક્રિકેટ માટે ઓસ્ટ્રેલિયાના વ્યસ્ત કાર્યક્રમની શરૂઆત કરશે.
આ કાર્યક્રમમાં સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી છે જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ આ શ્રેણી હેઠળ ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચ રમશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો, ભારતીય ટીમનો હાથ ઉપર હોય તેવું લાગે છે અને ભારતે છેલ્લી ત્રણ સિઝનમાં સતત જીત મેળવી છે. છેલ્લી સિઝન 2020/21ની વાત કરીએ તો અહીં ભારતે 2-1થી જીત મેળવી હતી.
આ શ્રેણીની પ્રથમ આવૃત્તિ 1996-97માં રમાઈ હતી. છેલ્લી સીઝનની વાત કરીએ તો તે 2020-21માં ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી જેમાં ભારત જીત્યું હતું. છેલ્લી વખત ભારતમાં આ શ્રેણી 2016-17માં રમાઈ હતી જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આ સિરીઝમાં ભલે તેનું બેટ ચાલ્યું ન હતું, પરંતુ તેની બોલિંગે ઓસ્ટ્રેલિયાને ઘણું પરેશાન કર્યું હતું. તેણે આ 4 મેચની શ્રેણીમાં 127 રન બનાવ્યા અને 25 વિકેટ લીધી.
હવે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં અહીં આવશે ત્યારે તેની પાસે અગાઉની હારનો બદલો લેવાની તક હશે. પાકિસ્તાન સામેની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું તાજેતરનું પ્રદર્શન ચોક્કસપણે ભારત સામે ઓસ્ટ્રેલિયા માટે બૂસ્ટરનું કામ કરશે કારણ કે એશિયન પીચો પર ટીમનું પ્રદર્શન એટલું શાનદાર રહ્યું નથી.