પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવતા મહિને શ્રીલંકામાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. આ શ્રેણી માટે પાકિસ્તાનની 18 સભ્યોની ટીમની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી.
બાબર આઝમની આગેવાની હેઠળની 18 સભ્યોની ટીમમાં સ્ટાર સ્પિનર યાસિર શાહ, કે જેણે ઓગસ્ટ 2021માં તેની છેલ્લી ટેસ્ટ રમી હતી તેની વાપસી જોઈ રહી છે. આ સિવાય અનકેપ્ડ ખેલાડી સલમાન અલી આગાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 2015માં શ્રીલંકા પ્રવાસ પર પાકિસ્તાનની 2-1થી જીતમાં યાસિર શાહનો મહત્વનો ભાગ હતો, તેથી તેની વાપસી ટીમને એકદમ સંતુલિત બનાવે છે.
યાસિર શાહ સંપૂર્ણ ફિટનેસ હાંસલ કરીને ટીમમાં પરત ફર્યો છે. યાસિરે અત્યાર સુધી પાકિસ્તાન માટે 46 ટેસ્ટ મેચમાં કુલ 235 વિકેટ લીધી છે. સલમાનની વાત કરીએ તો આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4224 રન બનાવ્યા છે અને 88 વિકેટ પણ લીધી છે. મોહમ્મદ નવાઝને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
નવાઝને ઓસ્ટ્રેલિયા સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તેને ખસી જવું પડ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે કહ્યું કે, અમે શ્રીલંકાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે.
18 સભ્યોની પાકિસ્તાની ટેસ્ટ ટીમ:
બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, અઝહર અલી, ફહીમ અશરફ, ફવાદ આલમ, હેરિસ રઉફ, હસન અલી, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, નૌમાન અલી, અલી આગા, સરફરાઝ અહેમદ, સઈદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ, યાસિર અલી.