TEST SERIES

બાબર આઝમે કોહલીની બરાબરી કરી, રોહિત શર્માને પાછળ છોડી દીધો

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીલંકા વિરૂદ્ધ બીજી ઇનિંગમાં રમીને બાબરે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરી લીધો છે.

બાબર પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 ટેસ્ટ રન બનાવવાના મામલે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. આ સાથે જ તેણે આ મામલે ભારતના દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે.

બાબર આઝમ અને વિરાટ કોહલીની તુલના ઘણી થાય છે અને તે સંયોગ છે કે બંને ટેસ્ટ ક્રિકેટમાં તેની 73મી ઇનિંગમાં 3000 ટેસ્ટ રનના આંકડા સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનની વાત કરીએ તો સૌથી ઝડપી 3000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદના નામે છે, જેણે 67મી ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. તેના પછી નંબર આવે છે, યુસુફ યોહાના, જેણે એટલી જ ઈનિંગ્સમાં 3000 ટેસ્ટ રનને સ્પર્શ્યા હતા.

પાકિસ્તાન માટે સઈદ અનવર આ મામલામાં ત્રીજા નંબર પર છે, જેમણે 68 ઈનિંગ્સમાં આવું કર્યું હતું, જ્યારે યુનિસ ખાને 3000 ટેસ્ટ રન માટે 70 ઈનિંગ્સ રમી હતી. માજિદ ખાને 72 ટેસ્ટ ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું.

જોકે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3000 રનનો વર્લ્ડ રેકોર્ડ સર ડોન બ્રેડમેનના નામે નોંધાયેલો છે, જેમણે માત્ર 33 ઇનિંગ્સમાં આ જાદુઈ આંકડાને સ્પર્શ કર્યો હતો. વિરાટે 73 ઇનિંગ્સમાં 3000 રન જ્યારે રોહિત શર્માએ 74 ઇનિંગ્સમાં 3000 રન પૂરા કર્યા છે.

Exit mobile version