ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2021-23ની ફાઇનલ મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશન અધવચ્ચે છોડી દીધું હતું. પ્રેક્ટિસ દરમિયાન રોહિતના ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેના અંગૂઠા પર ટેપ લાગેલી જોવા મળી હતી.
સાવચેતી તરીકે, રોહિતે પ્રેક્ટિસ સેશન અધવચ્ચે જ છોડી દીધું હતું. WTCની ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7મી જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને આ ટાઇટલ જીતવા માટે બેતાબ છે. ભારતે 2013 પછીથી એકપણ ICC ટ્રોફી જીતી નથી અને રોહિત ચોક્કસપણે આ દુષ્કાળને સમાપ્ત કરવા માંગશે.
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને લંડનના ઓવલ મેદાન પર સતત ત્રણ દિવસથી જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. આ WTCની બીજી આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ 2019-2021માં રમાઈ હતી, જ્યાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટાઈટલ મેચ હતી. ભારત સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચ્યું છે. આજે ભારત માટે વૈકલ્પિક તાલીમ સત્ર હતું, જે દરમિયાન કેપ્ટન રોહિતે પીચની વિગતો પણ લીધી હતી. WTC ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા સમક્ષ સૌથી મોટો સવાલ એ છે કે, શું ટીમ ઈન્ડિયા આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સાથે મેદાનમાં ઉતારશે?
પ્લેઈંગ ઈલેવનમાં જાડેજાનું સ્થાન નિશ્ચિત જણાય છે, પરંતુ અશ્વિનને શાર્દુલ ઠાકુર સાથે ટક્કર મળી શકે છે. સ્પિનર ઓલરાઉન્ડરના નામે ભારત અશ્વિનની સાથે જઈ શકે છે, પરંતુ જો પેસર ઓલરાઉન્ડરની વાત આવે તો શાર્દુલને પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી મળી શકે છે.
Exclusive Picture : Rohit Sharma Injured pic.twitter.com/9Xoe3WUkYT
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) June 6, 2023