પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે ભવિષ્યવાણી કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ 2022માંથી આજે સ્પર્ધાની નવમી મેચમાં શ્રીલંકા સામે રમતા બહાર થઈ શકે છે.
સુપર 4ની પોતાની પ્રથમ મેચમાં ભારત પાકિસ્તાન સામે 5 વિકેટે હારી ગયું હતું. આવી સ્થિતિમાં જો ભારત શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની કોઈપણ ટીમ સામે હારશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
બીજી તરફ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી ઈન્ઝમામ-ઉલ-હકે જશ્ન-એ-ક્રિકેટ શોમાં કહ્યું, “મને ગઈ કાલે સમજાયું કે તમે ખુશીના કારણે પણ ઊંઘી શકતા નથી.” ઈન્ઝમામના આ નિવેદનનો અર્થ એ છે કે જ્યારે તેની ટીમ જીતી તો તે ઉંઘી શક્યો ન હતો. તેણે કહ્યું કે રવિવારે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ભારતીય કેપ્ટન તણાવમાં દેખાતા હતા. તેણે એમ પણ કહ્યું કે શ્રીલંકા વિરુદ્ધ આજની મેચમાં પણ ભારતીય ખેલાડીઓ દબાણ અનુભવશે.
ઈન્ઝમામ સાથે સ્ટેજ શેર કરતાં પૂર્વ ક્રિકેટર સિકંદર બખ્તે કહ્યું કે પાકિસ્તાન ક્રિકેટ સ્પર્ધામાં મજબૂત સ્થિતિમાં છે. આ દરમિયાન ઈન્ઝમામે કહ્યું, “અમે સરળતાથી ટૂર્નામેન્ટના સુપર ફોર સ્ટેજમાં આગળ વધી ગયા છીએ. પાકિસ્તાન સામે હાર્યા બાદ ભારતની ઊંઘ ઉડી ગઈ હશે.” સુપર 4 આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે અને જે ટીમ મેચ જીતશે તેને આગળ વધવાની વધુ તક મળશે. શ્રીલંકાએ તેની પ્રથમ મેચ પણ જીતી લીધી છે.
ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022 ની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું અને સુપર 4માં સ્થાન મેળવવા માટે આગળ વધી. તે જ સમયે, સુપર 4 મેચમાં પાકિસ્તાનની ટીમે ભારત સામેની મેચ જીતીને ફાઇનલમાં પહોંચવા માટે એક પગલું ભર્યું છે. જોકે, એવું નથી કે ભારત સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે. જો ટીમ ઈન્ડિયા તેની બંને મેચ જીતી જશે તો તે એશિયા કપની ફાઇનલમાં સરળતાથી પ્રવેશ કરી લેશે.
