એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ટક્કરની શક્યતા તો છે, પરંતુ બંને ટીમોનો મુકાબલો ગ્રુપ સ્ટેજ, ક્વાર્ટર ફાઈનલ કે સેમિફાઈનલમાં નહીં થાય. બંને ટીમો ટૂર્નામેન્ટના ડ્રો મુજબ અલગ-અલગ બ્રેકેટમાં છે, જેના કારણે જો ભારત-પાકિસ્તાન મેચ યોજાય તો તે માત્ર ગોલ્ડ મેડલ અથવા બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં જ થઈ શકે છે.
જાપાનના નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં પુરુષ ક્રિકેટ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાને સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી આપવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાન સહિતની અન્ય છ ટીમો પહેલા ગ્રુપ સ્ટેજમાં રમશે અને ત્યાંથી ચાર ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે.
ભારતને ક્વાર્ટર ફાઈનલ-2માં સ્થાન મળ્યું છે, જ્યારે પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલ-1માં રમશે. બંને ક્વાર્ટર ફાઈનલ 28 સપ્ટેમ્બરે રમાવાની છે. ત્યારબાદ સેમિફાઈનલના ડ્રો પણ એવી રીતે ગોઠવાયા છે કે ભારત અને પાકિસ્તાનનો સામનો સેમિફાઈનલમાં થઈ શકે નહીં.
આ સ્થિતિમાં જો ભારત અને પાકિસ્તાન બંને પોતાની ક્વાર્ટર ફાઈનલ તથા સેમિફાઈનલ જીતી લે, તો બંને ટીમો વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઈનલમાં મુકાબલો થઈ શકે છે. બીજી તરફ, જો બંને ટીમો સેમિફાઈનલમાં હારી જાય, તો બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ભારત-પાકિસ્તાન સામસામે આવી શકે છે.
જોકે એક ટીમ ફાઈનલમાં પહોંચી જાય અને બીજી સેમિફાઈનલમાં હારી જાય તો બંને વચ્ચે મેચ રમાશે નહીં. આવી જ સ્થિતિ 2022ની એશિયન ગેમ્સમાં જોવા મળી હતી. તેથી ક્રિકેટ ચાહકો માટે ભારત-પાકિસ્તાન મુકાબલો જોવા માટે બંને ટીમોના નોકઆઉટમાં સતત સારા પ્રદર્શનની જરૂર રહેશે.
एशियन गेम्स 2026 में भारत और पाकिस्तान की भिड़ंत होना हुआ मुश्किल, सिर्फ मेडल मैच में हो सकता आमना-सामनाhttps://t.co/VTpWR92uNt
— India TV (@indiatvnews) August 12, 2026
