આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા યુસુફ પઠાણ આગામી મહિને સંયુક્ત આરબ અમીરાતમાં શરૂ થઈ રહેલી ઈન્ટરનેશનલ લીગ T20 (ILT20)ની શરૂઆતની સિઝનમાં દુબઈ કેપિટલ્સ તરફથી રમશે.
કેપિટલ્સે સોમવારે આ માહિતી આપી હતી. સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર રોબિન ઉથપ્પા પણ કેપિટલ્સમાં જોડાયો છે. તેની નિવૃત્તિની જાહેરાત કરતા, ઉથપ્પાએ કહ્યું હતું કે તે તેમના જીવનનો “નવો તબક્કો” શરૂ કરવા માટે ઉત્સુક છે.
નોંધનીય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિયમો અનુસાર બોર્ડ સાથે સંકળાયેલો કોઈપણ ખેલાડી વિદેશી લીગમાં ભાગ લઈ શકતો નથી અને આમ કરવા માટે તેણે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી પડશે.
વર્ષ 2006માં ભારત માટે ડેબ્યૂ કરનાર ઉથપ્પાએ 46 ODI અને 13 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ ઉપરાંત, તેણે છ અલગ-અલગ ટીમો માટે રમીને 205 આઈપીએલ મેચોમાં પણ ભાગ લીધો હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે 2021માં ટાઇટલ જીત્યા બાદ સપ્ટેમ્બર 2022માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બીજી તરફ, 40 વર્ષીય યુસુફે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 57 વનડે અને 22 ટી-20 મેચ રમી છે. પ્રથમ IPL જીતનાર રાજસ્થાન રોયલ્સમાં તે મુખ્ય ખેલાડી હતો અને ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો. આ સિવાય તેણે 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે આઈપીએલનો ખિતાબ પણ જીત્યો હતો, જ્યારે 2021માં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઉથપ્પા અને યુસુફ પહેલા વીરેન્દ્ર સેહવાગ (T10 લીગ) અને યુવરાજ સિંહ (ગ્લોબલ T20 કેનેડા) પણ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે અને આંતરરાષ્ટ્રીય લીગમાં રમ્યા છે.
