ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. ભારતીય ટીમ અને ક્રિકેટ ચાહકોની નજર પણ આ મેચના પરિણામ પર ટકેલી છે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે ટેસ્ટ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે, પરંતુ સિડનીના હવામાને આ ટેસ્ટના પરિણામ પર હાલમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. પ્રથમ બે દિવસે પણ વરસાદ વિલન બન્યો હતો, પરંતુ ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. મેચમાં હજુ બે દિવસ બાકી છે અને સમગ્ર ટેસ્ટમાં અત્યાર સુધી માત્ર 131 ઓવર જ નાખવામાં આવી છે. ટીમ ઈન્ડિયા સિવાય ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાનું ટેન્શન ત્રીજા દિવસે કંઈક અંશે વધી ગયું હશે. ખ્વાજા મેચના બીજા દિવસે 195 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો અને હજુ પણ તેની બેવડી સદીથી પાંચ રન દૂર છે.
સિડનીમાં આગામી બે દિવસ સુધી વરસાદની સંભાવના છે અને આવી સ્થિતિમાં આ ટેસ્ટ મેચ ડ્રો થઈ શકે છે. જો ટેસ્ટ ડ્રો થશે તો તે ભારત માટે સારા સમાચાર નહીં હોય કારણ કે તેનાથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના પોઈન્ટ વિભાજિત થઈ જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં, ઓસ્ટ્રેલિયા 78.57 PCT (પોઇન્ટ્સ પર્સેન્ટેજ સિસ્ટમ) સાથે ટોચ પર છે, જ્યારે ભારતના ખાતામાં 58.93 PTC છે. શ્રીલંકા 53.33 PTC સાથે ત્રીજા અને દક્ષિણ આફ્રિકા 50 PTC સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની જીતથી ટીમ ઈન્ડિયાને ફાયદો થશે, જ્યારે ડ્રો કે દક્ષિણ આફ્રિકાનો વિજય ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી શકે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2021-23ની ફાઇનલ મેચ આ વર્ષે રમાવાની છે અને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં પહોંચવાની શ્રેષ્ઠ તકો છે. સાઉથ આફ્રિકાની પીટીસી ડ્રો મેચ સાથે વધુ સારી રહેશે, જે આગળ જતા ભારત માટે જોખમી બની શકે છે. ભારતે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે અને આ શ્રેણી WTC ફાઈનલની દૃષ્ટિએ ઘણી મહત્વની બનવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયા WTC 2023 ની ફાઇનલ મેચ રમવાનું લગભગ નિશ્ચિત છે, જ્યારે ભારત, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા નજીકની લડાઈ જોઈ શકે છે.
