આ વર્ષે T20 વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ મળીને આ વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે.
પરંતુ આ વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડરે મોટું નિવેદન આપ્યું છે. તેણે આ વર્લ્ડ કપમાં એક એવા ખેલાડીને રમવાની વાત કરી છે જેના પર ફિક્સિંગનો આરોપ લાગી ચૂક્યો છે. હવે તેના આ નિવેદન પર ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાસ્તવમાં, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પૂર્વ પાકિસ્તાની બોલર મોહમ્મદ આમિર વિશે મોટું નિવેદન આપ્યું છે. આફ્રિદીનું માનવું છે કે તાજેતરના પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024માં ક્વેટા ગ્લેડીયેટર્સ સાથે નબળી સિઝન હોવા છતાં, આમિરે તેની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.
“આમિર આજે પણ સરળતાથી પાકિસ્તાન ટીમની લાઇનઅપમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. તે હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન આફ્રિદીની શ્રેણીમાં આવે છે. આમિરમાં હજુ ક્રિકેટ બાકી છે અને તેણે પાકિસ્તાન માટે રમવું જોઈએ.”
2009 T20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ આમીરે વહેલા નિવૃત્તિ લઈ લીધી હતી. તેણે 2019માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તમને જણાવી દઈએ કે મેચ ફિક્સિંગના આરોપમાં તેના પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. જોકે, પ્રતિબંધ બાદ પણ તેણે ક્રિકેટમાં સારી વાપસી કરી હતી.