
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ બાદ આ ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. આ પદ પરથી રાજીનામું આપ્યા બાદ એવું માનવામાં આવે છે કે વાઈસ કેપ્ટન રોહિત શર્મા કેપ્ટન બનશે. આવી સ્થિતિમાં વાઇસ કેપ્ટન પદ માટેનો દાવો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ત્રણ ખેલાડીઓના નામ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
16 સપ્ટેમ્બર ગુરુવારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેતા ભારતીય કેપ્ટન કોહલીએ ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાના સમાચાર આપ્યા. બીસીસીઆઈ દ્વારા આ વર્ષે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન યૂએઈમાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ કોહલીની કેપ્ટનશીપ કારકિર્દીની પ્રથમ અને છેલ્લી ટી-20 ટૂર્નામેન્ટ સાબિત થવા જઈ રહી છે.
રોહિત ટી-20 ટીમના કેપ્ટન બન્યા બાદ તેના સ્થાને વાઇસ કેપ્ટન કોણ બનશે તેની ચર્ચા શરૂ થઇ ગઇ છે. પીટીઆઈ અનુસાર, આ પોસ્ટ માટે રોહિતના પાર્ટનર ઓપનર કેએલ રાહુલનું નામ સામે આવ્યું છે. આ સાથે જ વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પણ ઉપ-કેપ્ટન બનવાની રેસમાં સામેલ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની શાનદાર બોલિંગથી નામ મેળવનાર જસપ્રિત બુમરાહ આ યાદીમાં ત્રીજા ખેલાડી છે.
