IPL 2026નું લીગ સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે અને હવે ક્રિકેટપ્રેમીઓની નજર પ્લેઓફ પર ટકેલી છે. 26 મેના રોજ ધર્મશાલામાં રમાનારા ક્વોલિફાયર-1 મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Royal Challengers Bengaluru નો સામનો Gujarat Titans સામે થશે. આ મેચ બંને ટીમો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જીતનાર ટીમ સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે.
RCB સતત બીજી વખત ફાઈનલમાં પહોંચવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે અને તમામની નજર ફરી એકવાર Virat Kohli પર રહેશે. વિરાટ કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેણે અત્યાર સુધી 281 મેચોમાં 9218 રન બનાવ્યા છે, જેમાં 9 સદી અને 67 અર્ધસદીનો સમાવેશ થાય છે. તેનો સરેરાશ 40.07 અને સ્ટ્રાઈક રેટ 134.39 રહ્યો છે.
ગત સીઝનમાં 18 વર્ષના લાંબા ઇંતજાર બાદ RCBએ પહેલીવાર IPL ટ્રોફી જીતી હતી અને હવે ટીમ સતત બીજી ટ્રોફી જીતવાના મિશન પર છે. આ સીઝનમાં પણ વિરાટનો બેટ જોરદાર રીતે બોલ્યો છે. તેણે 14 ઇનિંગ્સમાં 557 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેનો સ્ટ્રાઈક રેટ 163.82 રહ્યો છે, જે તેમના IPL કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ ગણાય છે.
પરંતુ પ્લેઓફના આંકડા વિરાટ માટે ચિંતા વધારનારા છે. અત્યાર સુધી રમાયેલા 17 IPL પ્લેઓફ મેચોમાં તેણે માત્ર 396 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી ફક્ત 2 અર્ધસદી આવી છે અને 1 વખત તેઓ શૂન્ય પર પણ આઉટ થયા છે. પ્લેઓફમાં તેનો સરેરાશ માત્ર 26.40 રહ્યો છે. હવે ગુજરાત સામેની મહત્વપૂર્ણ મેચમાં વિરાટ પાસે પોતાના આ રેકોર્ડને સુધારવાની મોટી તક રહેશે.
