IPL 2026માં ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો, પરંતુ મેચ બાદ જે દૃશ્ય જોવા મળ્યું તેણે લાખો ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ પણ એમએસ ધોની સમગ્ર CSK ટીમ સાથે ચેપોક સ્ટેડિયમના મેદાનમાં ઉતર્યા અને દર્શકોનો આભાર માન્યો.
ચેપોકમાં રમાયેલ આ મેચમાં ફેન્સને આશા હતી કે ઈજાગ્રસ્ત હોવા છતાં ધોની રમતા જોવા મળશે. પરંતુ ટોસ સમયે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સ્પષ્ટ કર્યું કે ધોની હજુ સંપૂર્ણ ફિટ નથી, જેના કારણે તેઓ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહોતા. આ સમાચારથી સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સ અને ટીવી સામે બેઠેલા કરોડો દર્શકો નિરાશ થયા.
મેચમાં પ્રથમ બેટિંગ કરતાં CSKએ 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જોકે સનરાઇઝર્સ હૈદરાબાદે માત્ર 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું. હાર પછી પણ ચેન્નઈ ટીમે પોતાના ફેન્સને ખાસ અંદાજમાં યાદ રાખ્યા. મેચ પૂર્ણ થયા બાદ ધોની સહિત તમામ ખેલાડીઓ મેદાનમાં ફર્યા અને તાળી વગાડી દર્શકોનો આભાર વ્યક્ત કર્યો.
ધોની મેદાનમાં દેખાતા જ આખું ચેપોક સ્ટેડિયમ ‘ધોની-ધોની’ના નારાથી ગુંજી ઉઠ્યું. ફેન્સે આ ખાસ ક્ષણને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી. ધોનીના ચહેરા પર પણ સ્મિત જોવા મળ્યું, જેના કારણે ઘણા ફેન્સ માટે આ પળ યાદગાર બની ગઈ.
હવે CSKનો છેલ્લો લીગ મેચ ગુજરાત ટાઇટન્સ સામે અમદાવાદમાં રમાશે. ટીમ પાસે હજુ પ્લેઓફમાં પહોંચવાની ગણિતીય શક્યતા છે, પરંતુ રસ્તો ખૂબ મુશ્કેલ બની ગયો છે.
The special bond between #CSK and the home fans celebrated with a lap of honour 💛#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @ChennaiIPL pic.twitter.com/yIHpoaIG4r
— IndianPremierLeague (@IPL) May 18, 2026
