ઇંગ્લેન્ડના સ્ટાર બેટર અને વ્હાઇટ-બોલ કેપ્ટન હેરી બ્રુકે IPLમાં ફરીથી રમવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. હાલમાં બે સીઝનના પ્રતિબંધનો સામનો કરી રહેલા બ્રુકે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં તક મળશે તો તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચોક્કસપણે વાપસી કરવાનું વિચારશે. બ્રુકનું આ નિવેદન સામે આવ્યા બાદ IPLમાં તેની આગામી વાપસીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બ્રુકે IPLના અનુભવને ખૂબ જ ખાસ ગણાવ્યો છે. તેણે કહ્યું કે IPL માત્ર એક મોટી T20 સ્પર્ધા નથી, પરંતુ ખેલાડીને વધુ સારો બનાવવાનો અનુભવ પણ આપે છે. બ્રુકના મતે, દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાથી અને અલગ પ્રકારની પરિસ્થિતિઓમાં ક્રિકેટ રમવાથી ખેલાડીના અનુભવમાં વધારો થાય છે.
બ્રુકે કહ્યું કે, ‘IPL એક શાનદાર સ્પર્ધા છે અને ત્યાં રમવાનો અનુભવ પણ ખૂબ સારો છે. તમે ત્યાં જઈને રમો છો અને વધુ સારા ખેલાડી બનીને પાછા આવો છો. આ એવી સ્પર્ધા છે જેનો ભાગ બનવું ખૂબ જ સારું છે અને ભવિષ્યમાં હું ચોક્કસપણે તેના વિશે વિચારીશ.’
જોકે, બ્રુકની IPL વાપસી તરત શક્ય નથી. તે હાલમાં બે વર્ષના પ્રતિબંધ હેઠળ છે. IPLના નિયમો અનુસાર, હરાજીમાં પસંદ થયા બાદ સતત બે સીઝનમાં ઉપલબ્ધ ન રહેવાના કારણે વિદેશી ખેલાડી પર બે સીઝનનો પ્રતિબંધ લાગી શકે છે. બ્રુકને 2025ની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે ₹6.25 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ તેણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે તે 2028ની IPL ઓક્શનમાં ફરીથી ઉપલબ્ધ થઈ શકે છે.
બ્રુકે હાલ પોતાની પ્રાથમિકતા પણ સ્પષ્ટ કરી છે. તેણે કહ્યું કે તેનું સંપૂર્ણ ધ્યાન હાલમાં ઇંગ્લેન્ડ માટે વધુમાં વધુ ક્રિકેટ રમવા પર છે. જોકે, IPL માટે તેના સકારાત્મક વિચારો દર્શાવે છે કે પ્રતિબંધ પૂરો થયા બાદ તે ફરીથી આ મોટી લીગમાં રમવા માટે તૈયાર છે.
હવે સૌથી મોટો સવાલ એ રહેશે કે 2028માં IPL વાપસી સમયે કઈ ટીમ હેરી બ્રુકને પોતાની સાથે જોડે છે.
Harry Brook is set to return to the IPL in the future! 😍🔥
Which IPL team would you like to see him represent? 👀#Cricket #Brook #IPL pic.twitter.com/81XtsdlL8K
— Sportskeeda (@Sportskeeda) August 13, 2026

