ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વર્ષ 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત કરીને ભારતીય ક્રિકેટમાં એક નવો યુગ શરૂ કર્યો હતો. તે સમયે કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય કે IPL વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઇઝી ટી-20 લીગ બની જશે. આજે લગભગ દરેક ટેસ્ટ રમતા દેશે IPLના મોડેલ પર પોતાની ટી-20 લીગ શરૂ કરી છે.
અત્યાર સુધી IPLની 19 સિઝન રમાઈ ચૂકી છે અને મોટાભાગની મેચો ભારતમાં યોજાઈ છે. જોકે, કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં ટૂર્નામેન્ટ વિદેશમાં પણ યોજાઈ હતી. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીને કારણે સમગ્ર સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી, જ્યારે કોરોના મહામારી દરમિયાન 2020 અને 2021માં IPLના મુકાબલા UAEમાં યોજાયા હતા. હવે છ વર્ષ બાદ ફરી એકવાર IPLની કેટલીક મેચો ભારતની બહાર યોજાવાની ચર્ચા તેજ બની છે.
આ ચર્ચાનું મુખ્ય કારણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ વખતે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગ (BBL)ની આગામી સિઝનની પ્રથમ મેચ ભારતના ચેન્નાઈ સ્થિત એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 12 ડિસેમ્બરે મેલબર્ન રેનેગેડ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પર્થ સ્કોર્ચર્સ વચ્ચે મુકાબલો યોજાશે. BBLના ઈતિહાસમાં પ્રથમ વખત તેની કોઈ મેચ ઓસ્ટ્રેલિયાની બહાર રમાશે.
‘ધ એજ’ના અહેવાલ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ભારતીય દર્શકો સુધી BBLની પહોંચ વધારવા અને BCCI સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. આ માટે ભવિષ્યમાં પર્થ અથવા મેલબર્નમાં IPLની એક અથવા બે મેચ યોજવાની સંભાવના પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
BCCI અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમયથી સારા સંબંધો રહ્યા છે. જો તેના બદલામાં BCCI વર્ષ 2027ની IPL અથવા ત્યારબાદની કોઈ સિઝનમાં ઓસ્ટ્રેલિયામાં એક-બે મેચ યોજવાનો નિર્ણય કરે, તો તે લીગના વૈશ્વિક વિસ્તરણ તરફનું એક મોટું પગલું સાબિત થઈ શકે છે. સાથે જ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની જેવા સ્ટાર ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાની ધરતી પર IPL રમતા જોવાનો મોકો પણ ક્રિકેટ ચાહકોને મળી શકે છે.
🚨 CRICKET HISTORY IS ABOUT TO BE MADE! 🌏🏏
The BBL is coming to India 🇮🇳 with the 2026 season opener set for the iconic Chepauk! 🤯🔥
And that’s not all… the IPL could soon make its way to Australia! 🇦🇺💥
A global T20 crossover that every cricket fan has dreamed of. 🌍❤️ pic.twitter.com/8J02EObWwd
— SportsTiger (@The_SportsTiger) July 10, 2026
