
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચર માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તે આવતા વર્ષની IPLમાં ભાગ લઈ શકશે નહીં.
આનો અર્થ એ થયો કે આર્ચર મોટી હરાજીમાં પણ ભાગ લઈ શકશે નહીં. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) એ જણાવ્યું છે કે આર્ચરે તેની ઈજાગ્રસ્ત જમણી કોણીમાં બીજું ઓપરેશન કરાવ્યું છે અને તે આગામી ઉનાળા સુધી કાર્યમાંથી બહાર રહેશે.
ઈંગ્લેન્ડના આ ઝડપી બોલરની ગેરહાજરી વર્તમાન એશિઝ શ્રેણીમાં પણ અનુભવાઈ રહી છે. 11 ડિસેમ્બરે લંડનમાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઇસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તેની જમણી કોણીમાં લાંબા સમયથી પીડાને સમાપ્ત કરવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું.” તે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી પણ ગુમાવશે.
આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે આર્ચર મુખ્ય બોલર હતો. ઈજાના કારણે તેને ટીમે જાળવી રાખ્યો ન હતો. તેણે આઈપીએલની 35 મેચોમાં 7.13ની ઈકોનોમીથી 46 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડ અને રાજસ્થાન રોયલ્સ ઉપરાંત આર્ચર હોબાર્ટ હરિકેન્સ, ખુલના ટાઇટન્સ, ક્વેટા ગ્લેડીયેટર્સ, સધર્ન બ્રેવ અને સસેક્સ જેવી ટીમો માટે રમ્યો છે. 2018માં 2008ની ચેમ્પિયન ટીમ રાજસ્થાન રોયલ્સે આર્ચરને 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
