પંજાબ કિંગ્સની ખરાબ ફિલ્ડિંગથી કોચ રિકી પોન્ટિંગ નારાજ, ઈશાન-ક્લાસેનને મળેલા જીવનદાને મેચ પલટાવી
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલા IPL 2026ના મુકાબલામાં Punjab Kingsની ખરાબ ફિલ્ડિંગ ટીમ માટે ભારે પડી. Sunrisers Hyderabad સામે મેચ દરમિયાન એક પછી એક સરળ કેચ છોડાતા હેડ કોચ Ricky Ponting પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા. લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન જ તેણે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે, “મારું મન થઈ રહ્યું છે કે હાથમાં રહેલો માઇક્રોફોન મેદાનમાં ફેંકી દઉં.”
મેચના 10મા ઓવર આસપાસ પહેલે કૂપર કોનૉલી અને પછી શશાંક સિંહે સરળ કેચ છોડ્યા. ત્યારબાદ લોકી ફર્ગ્યુસને ઈશાન કિશનનો આસાન કેચ ટપકાવ્યો. આ સતત ભૂલોથી પોન્ટિંગ ખૂબ જ નારાજ દેખાયા. ટાઈમઆઉટ દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા છતાં મેદાન પર કોઈ ફેર જોવા મળ્યો નહીં.
ખાસ કરીને શશાંક સિંહની ફિલ્ડિંગ ચિંતાનો વિષય બની છે. છેલ્લા કેટલાક મેચોમાં તે સતત કેચ છોડતા જોવા મળ્યા છે. હેનરિક ક્લાસેનનો મહત્વપૂર્ણ કેચ પણ તેના હાથમાંથી છૂટી ગયો. પોન્ટિંગે બાદમાં કહ્યું કે, “એવું લાગે છે કે કેચ છોડવાનો વાયરસ અમારી ટીમમાં ફેલાઈ ગયો છે.”
બીજી તરફ અનુભવી સ્પિનર Yuzvendra Chahal પણ ફિલ્ડર્સની ભૂલોથી નિરાશ દેખાયા. પહેલા કેચ ડ્રોપ, પછી સ્ટમ્પિંગનો મોકો ચૂકાતા ચહલ મેદાન પર જ માથું પકડીને બેસી ગયો હતો.
પંજાબની આ ભૂલોનો સંપૂર્ણ ફાયદો SRHના બેટ્સમેનોએ ઉઠાવ્યો. Ishan Kishanએ મળેલા જીવનદાન બાદ 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી, જ્યારે Heinrich Klaasenએ માત્ર 32 બોલમાં અડધી સદી ફટકારી મેચનો રંગ બદલી નાખ્યો. Hyderabadએ 17.1 ઓવરમાં 200 રનનો આંક પાર કરીને Punjab Kingsને સંપૂર્ણપણે મેચમાંથી બહાર ધકેલી દીધું.
