આઈપીએલ 2027ની તૈયારીઓ શરૂ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાંથી એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટીમ આગામી સપ્તાહે સિઝન રિવ્યૂ બેઠક યોજવાની છે, જેમાં કેપ્ટનશિપ, કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના ટ્રેડ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક બાદ ફ્રેન્ચાઇઝીમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
રિપોર્ટ અનુસાર હાલના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. ટીમના તાજેતરના પ્રદર્શન બાદ મેનેજમેન્ટ નવા કેપ્ટનની પસંદગી અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. આ રેસમાં ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને યુવા સ્ટાર બેટ્સમેન તિલક વર્માનું નામ સૌથી આગળ હોવાનું કહેવાઈ રહ્યું છે.
જસપ્રીત બુમરાહ લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સનો મહત્વનો ભાગ રહ્યા છે અને મેદાન પર તેની શાંત તેમજ અસરકારક નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ મજબૂત દાવેદાર માનવામાં આવે છે. બીજી તરફ તિલક વર્માએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત પ્રભાવશાળી પ્રદર્શન કરીને ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીત્યો છે, જેના કારણે તેને ભવિષ્યના કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત હાર્દિક પંડ્યાના સંભવિત ટ્રેડને લઈને પણ અટકળો તેજ બની છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મેનેજમેન્ટ તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફ્રેન્ચાઇઝી આગામી સિઝન માટે વધુ સંતુલિત અને મજબૂત ટીમ તૈયાર કરવા માંગે છે.
મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો હવે આગામી સપ્તાહની બેઠક પર નજર રાખી રહ્યા છે, કારણ કે આ બેઠક બાદ ટીમના નેતૃત્વ અને સ્ક્વોડને લઈને અનેક મોટા નિર્ણયો જાહેર થઈ શકે છે. જો કે હાલ સુધી બુમરાહ, તિલક વર્મા કે હાર્દિક પંડ્યાના ભવિષ્ય અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ચર્ચાઓએ ક્રિકેટ જગતમાં ભારે ઉત્સુકતા જગાવી છે.
