IPL 2026માં પંજાબ કિંગ્સની ટીમ ફરી એકવાર ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ રમતી ટીમે સીઝનની શરૂઆત તો ધમાકેદાર કરી હતી, પરંતુ અંતે પ્લેઓફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું. હવે તેની આ નિષ્ફળતાનો મજાક માત્ર ફેન્સ જ નહીં, પરંતુ બીજા દેશોના ક્રિકેટ બોર્ડ પણ ઉડાવી રહ્યા છે.
મજેદાર અને વ્યંગાત્મક પોસ્ટ્સ માટે જાણીતું આઇસલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પંજાબ કિંગ્સને લઈને તીખો કટાક્ષ કર્યો. તેણે લખ્યું કે, “પંજાબ કિંગ્સ પાસેથી આપણે એટલું શીખીએ છીએ કે ટૂર્નામેન્ટની શરૂઆત કેટલી સારી થાય છે તે મહત્વનું નથી.” આ પોસ્ટ થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને ક્રિકેટ ફેન્સે પણ પંજાબની ટીમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
પંજાબ કિંગ્સે સીઝનની શરૂઆતમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતની 7 મેચોમાં ટીમ અપરાજિત રહી હતી અને ટાઇટલ જીતવાની મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ ટીમ અચાનક લય ગુમાવી બેઠી અને સતત 6 હારને કારણે પ્લેઓફની બહાર થઈ ગઈ. 14 મેચોમાં માત્ર 15 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને રહી.
પંજાબ કિંગ્સનો IPL ઇતિહાસ પણ ખાસ સારો રહ્યો નથી. 19 સીઝનમાં ટીમ માત્ર 3 વખત જ પ્લેઓફમાં પહોંચી શકી છે. 2008 અને 2014 બાદ 2025માં પણ ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ એકપણ વખત ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. તેથી હવે ફરી એકવાર પંજાબ કિંગ્સ સોશિયલ મીડિયા પર મજાક અને નિરાશાનું કેન્દ્ર બની ગઈ છે.
What we learn from Punjab Kings is it doesn’t matter how well you start a tournament.
— Iceland Cricket (@icelandcricket) May 24, 2026
